
જરૂરિયાતમંદોને ફળ વિતરણ સાથે નાના બાળકો સાથે શિક્ષણ અને જીવનમૂલ્યો અંગે સંવાદ કરી સેવાભાવનો સંદેશ આપ્યો
ગાંધીનગર: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સેલ દ્વારા NSS દિવસની ઉજવણીને માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રાખી સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સેવા અને સંવેદનાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. કડી સર્વ વિશ્વવિદ્યાલયના વિવિધ NSS એકમો દ્વારા NSSના Not Me But You ના મૂળમંત્રને સાકાર કરતી વિવિધ સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના NSS સ્વયંસેવકોએ શહેરના સ્લમ વિસ્તારમાં જઈને જરૂરિયાતમંદ પરિવારો તથા નાગરિકોને ફળોનું વિતરણ કર્યું હતું. સ્વયંસેવકોએ માત્ર ફળોનું વિતરણ કરીને પોતાની જવાબદારી પૂર્ણ કરી નહોતી, પરંતુ સ્થાનિક લોકો સાથે આત્મીય સંવાદ સાધી તેમની દૈનિક પરિસ્થિતિ, જરૂરિયાતો અને બાળકોના શિક્ષણ અંગે પણ વાતચીત કરી હતી.ખાસ કરીને નાના બાળકો સાથે સ્વયંસેવકોએ અભ્યાસ, સ્વચ્છતા, શિસ્ત, સમયનું મહત્વ, સારા સંસ્કારો તથા જીવનમાં શિક્ષણના મહત્વ અંગે સરળ અને રસપ્રદ સંવાદ કર્યો હતો. બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરતાં સ્વયંસેવકોએ તેમને પોતાના સપનાઓને સાકાર કરવા માટે મહેનત અને સતત પ્રયત્ન કરવાની પ્રેરણા આપી હતી.NSS સ્વયંસેવકોએ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત દરમિયાન NSSનો હેતુ, સમાજસેવાનું મહત્વ અને યુવાનોની સામાજિક જવાબદારી અંગે પણ જાગૃતિ ફેલાવી હતી. સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન સ્વયંસેવકોનો અભિગમ માત્ર સહાય કરવાનો નહીં પરંતુ સમાજના વિવિધ વર્ગો સાથે જોડાઈને તેમની વચ્ચે આત્મીયતા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો રહ્યો હતો.આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા સ્વયંસેવકોએ “સેવા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ જીવન જીવવાની એક ભાવના છે” એવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. જરૂરિયાતમંદોને ફળ વિતરણ અને બાળકો સાથેના સંવાદ દ્વારા સ્વયંસેવકોએ સેવા, સહાનુભૂતિ, માનવતા અને સામાજિક જવાબદારી જેવા મૂલ્યોને વ્યવહારમાં ઉતાર્યા હતા.આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માટે બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના આચાર્ય ડૉ. રમાકાંત પૃષ્ટીનું માર્ગદર્શન અને યુનિવર્સિટીના ઉપાચાર્ય ડૉ. જયેશ તન્નાનું પ્રેરણાદાયી મોટિવેશન મળ્યું હતું. તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી NSS સ્વયંસેવકોમાં સમાજસેવા માટેનો ઉત્સાહ વધુ મજબૂત બન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુનિવર્સિટી NSS પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ આયોજનબદ્ધ રીતે સ્લમ વિસ્તારમાં જઈ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી અને બાળકો તથા સ્થાનિક નાગરિકો સાથે અર્થપૂર્ણ સંવાદ સાધ્યો હતો.કડી સર્વ વિશ્વવિદ્યાલય NSS સેલ દ્વારા સમયાંતરે યોજાતી આવી સમાજલક્ષી પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ માનવતાવાદી દૃષ્ટિકોણ, સામાજિક સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. NSS દિવસની આ અનોખી ઉજવણી દ્વારા બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના સ્વયંસેવકોએ સેવા અને સંવેદનાને પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી NSSના મૂળમંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો હતો.