રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારંભ સાથે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી.
શિક્ષક દિવસ ઉજવણી અવસરે નાણામંત્રી શ્રી સહિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ૦૪ અને તાલુકા કક્ષાના ૦૫ શ્રેષ્ઠ શિક્ષકોની સાથે જે તે શાળાના ૦૯ આચાર્યો અને છેલ્લા ત્રણ વર્ષથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતા ૩૮ વિષય શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી સન્માનિત થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારતમાં રામાયણ અને મહાભારત કાળથી ગુરુનું મહત્વ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. એકલવ્ય એ દ્રોણાચાર્યનું પૂતળું બનાવી ધનુરવિદ્યામાં નિપુર્ણ બન્યા હતા. આજે પણ સમાજમાં શિક્ષકનો દરજ્જો સૌથી મોટો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા શિક્ષકોની પડખે રહી છે. શિક્ષકોના ઘણા પ્રોબ્લેમ સોલ્વ થયા છે અને બાકી રહેલા પ્રશ્નો પણ સોલ્વ થવાની તૈયારીમાં છે. આપણા દેશમાં અંગ્રેજોએ જે શિક્ષણ નીતિ બનાવી હતી તેમાં ગુરુકુલ પ્રથા નાબૂદ કરી દીધી હતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન મૂલ્યોને આવરી લઈ નવી શિક્ષણ નીતિ બનાવી છે જેમાં શ્રીમદ ભગવત ગીતાનો પણ સમાવેશ કરાયો છે.


જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે. પટેલે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં સ્કિલ બેઇઝડ શિક્ષણની પણ વાત કરવામાં આવી છે. આજે કોઈપણ સ્કિલ સામાન્ય નથી. ઉચ્ચ ડિગ્રી ધારણ કરી નોકરી કરનારની તુલનાએ સ્કિલ ધરાવનાર લોકો સારું કમાઈ રહ્યા છે. વધુમાં તેમણે યુવા પેઢી પર ભાર મૂકી શિક્ષકોને જણાવ્યું કે, વિદ્યાર્થીઓને હાલમાં જે સુવિધાઓ મળી રહી છે તેની કદર કરતા પણ શીખવાડવાનું છે. શિક્ષકો કર્મ નિષ્ઠ હોય છે, પોતાનું કાર્ય ચોક્કસતા સાથે કરે છે એટલે જ સરકારને સૌથી વધુ વિશ્વાસ શિક્ષકો ઉપર હોવાથી દેશની મહત્વની કામગીરી તેમને સોંપે છે.
વલસાડ અને કપરાડાના ધારાસભ્ય સર્વશ્રી ભરતભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, પહેલા મને હરિયાણાની લોકલ ભાષા જ આવડતી હતી, ત્યારે મારા શિક્ષકે મને અંગ્રેજીના રોજ નવા પાંચ શબ્દ શીખવા માટે શિખામણ આપી અને તે મુજબ મેં પ્રેક્ટિસ કરી તો એક વર્ષમાં દોઢ હજાર નવા અંગ્રેજી શબ્દ બોલતા હું શીખી ગયો હતો. જે મને મારા અત્યાર સુધીના કેરિયરમાં ખૂબ જ ઉપયોગી બની છે. શિક્ષકોએ નોકરીને એક મિશન તરીકે ઉપાડી લઈ પોતાની શાળામાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરવાના છે. શિક્ષકે પાયાનું જ્ઞાન આપવાની સાથે પોતાની સ્કિલ પણ વધારવાની જરૂર છે. એક શિક્ષક ઇમપ્રુવ થશે તો તેના દ્વારા હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે.

આ પ્રસંગે પારડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખશ્રી ચેતન નાયકા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રજ્ઞેશ પટેલ, પ્રાંત અધિકારીશ્રી નીરવ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખશ્રી પુનિત પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.
સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી ટંડેલે કર્યું હતું. આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડી.બી.વસાવાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી તારેશ સોની અને અવની પટેલે કર્યું હતું.

સન્માનિત થયેલા શિક્ષકોની યાદી
જિલ્લા કક્ષાએ સન્માનિત શિક્ષકો
૦૧) શ્રી રાકેશચંદ્ર આર. સુથાર, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મગોદડુંગરી, વલસાડ
૦૨) શ્રીમતી દીપાલી પી. ચુડાસમા, મોડલ સ્કૂલ, માલનપાડા, ધરમપુર
૦૩) શ્રી જયેશકુમાર ટી.ટંડેલ, બલિઠા મુખ્ય શાળા, વાપી
૦૪) શ્રી સંજયકુમાર બી. મકવાણા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર, કપરાડા
તાલુકા કક્ષાએ સન્માનિત શિક્ષકો
૦૧) શ્રીમતી કિન્નરી વી.દેસાઈ, સંસ્કાર વિદ્યા મંદિર, ખોખરા પ્રા. શાળા, વલસાડ
૦૨) શ્રી બાલકૃષ્ણ ટી. ટંડેલ, નામધા પ્રા. શાળા.વાપી
૦૩) વિભૂતિબેન આર. પટેલ, ગુ.પ્રાથમિક શાળા, તલવાડા (પારસીપાડા) ઉમરગામ
૦૪) શ્રી ગણેશભાઈ એલ. જાદવ, બાબરખડક પર. શાળા, કપરાડા
૦૫) ભવિકકુમાર બી.પટેલ, પ્રાથમિક શાળા, કપરાડા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *