દાંતા ખાતે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ

દાંતા ખાતે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણ તથા સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ નાગરિકોને સરકારી યોજનાઓનો સમયસર લાભ મળે, સ્થાનિક કક્ષાએ ઊભા થતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને વિકાસકાર્યોનું અસરકારક અમલીકરણ થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના વિકાસકાર્યોને વધુ વેગવાન બનાવવા અને સ્થાનિક સ્તરે પ્રજાને પડતી મુશ્કેલીઓનું સમયસર નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર, સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટીતંત્ર વચ્ચે સીધો સંવાદ અને સંકલન અત્યંત જરૂરી છે. ગ્રામ્ય સ્તરેથી આવતા પ્રશ્નો અને રજૂઆતોની વાસ્તવિક સ્થિતિથી માહિતગાર થઈ, કયા કામો કયા કારણોસર અટક્યાં છે અને તેના ઉકેલ માટે કયા વિભાગની મદદની જરૂર છે તે જાણી શકાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે મળતી રજૂઆતોનું માત્ર કાગળ પર નિરાકરણ ન આવે, પરંતુ સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને તેનો સમયમર્યાદામાં નિકાલ થાય અને વિકાસકાર્યોને ગતિ મળે તે માટે અધિકારીઓએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. જ્યાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનની જરૂર હોય ત્યાં પણ પરસ્પર સમન્વય સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ભાર મૂકતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને પ્રજાલક્ષી કામોમાં કોઈ અવરોધ ન રહે તે સુનિશ્ચિત કરવું સૌની સામૂહિક જવાબદારી છે.

મંત્રીશ્રીએ વધુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં ટ્રાઇબલ સબ પ્લાન (TSP), એટીવીટી સહિતની વિવિધ યોજનાઓ હેઠળ મળતી ગ્રાન્ટનો ઉપયોગ પારદર્શક રીતે અને વાસ્તવિક લોકહિત માટે થવો જોઈએ. માર્ગ અને મકાન, સિંચાઈ, પાણી પુરવઠો, શિક્ષણ, ખેતીવાડી સહિતના તમામ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતાં વિકાસકાર્યોની ફાળવણી અને અમલીકરણમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાના પ્રભાવને બદલે જાહેરહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. ગ્રાન્ટનો લાભ કોઈ ચોક્કસ વ્યક્તિ, જૂથ કે રાજકીય હિત સુધી મર્યાદિત ન રહે, પરંતુ જરૂરિયાતમંદ લોકો સુધી સમાન રીતે પહોંચે તેની તકેદારી રાખવા મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. વહીવટી પ્રક્રિયામાં લોકકેન્દ્રિત અભિગમ અપનાવીને દરેક નિર્ણયમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારી જળવાય તે જરૂરી છે. વિકાસકાર્યોમાં કોઈ પ્રકારની ગેરરીતિ કે પક્ષપાતની શક્યતા ન રહે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તમામ સંબંધિત અધિકારીઓએ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર,જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, સંગઠનના પદાધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વિભાગો વચ્ચે સંકલન જાળવીને વિકાસકાર્યોને વેગ આપવા તથા કામગીરીની નિયમિત સમીક્ષા કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *