
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા હતા.આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની શિક્ષણ સેવા સાધનાની સ્મૃતિરૂપે પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.આ સંદર્ભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 40 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિથી સન્માનિત કર્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘રાજ્ય સ્તરીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ વિતરણ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત રહીને તમામ શિક્ષકોને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનનું સ્મરણ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિથી ગુરુનું સ્થાન સર્વોપરી રહ્યું છે. માં શરીર રૂપે જન્મ આપે છે, પરંતુ ગુરુ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરીને શિષ્યને સાચા અર્થમાં દ્વિજ બનાવે છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મેકોલેની શિક્ષણ પદ્ધતિ માત્ર ભૌતિકવાદ અને વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂકે છે. પ્રાચીન ભારતમાં વૃક્ષ નીચે બેસીને પણ બાળકને માનવતા અને સંસ્કારના પાઠ ભણાવવામાં આવતા હતા. ફક્ત ભૌતિક સમૃદ્ધિ, ધન કે વૈભવ માણસને સ્થાયી સુખ આપી શકતા નથી, જ્યાં સુધી તેનામાં માનવતા, દયા, પરોપકાર અને માતા-પિતા તથા ગુરુઓ પ્રત્યે સમર્પણ ભાવ ન હોય.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે ભારત પ્રાચીન કાળથી જ ખગોળ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. આજના યુગમાં ભૌતિક સાધનો અને ટેકનોલોજીનું જ્ઞાન જેટલું જરૂરી છે, એટલું જ આત્મજ્ઞાન અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન પણ અનિવાર્ય છે. જો શિક્ષણમાં સંસ્કારોનો અભાવ હશે તો સમાજમાં અશાંતિ અને પતન વધશે. “સા વિદ્યા યા વિમુક્તયે” નો મંત્ર આપતા તેમણે કહ્યું કે સાચું જ્ઞાન એ જ છે જે મનુષ્યને સંસ્કારી અને સુખી બનાવે.

રાજ્યપાલશ્રીએ તમામ શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે વર્ગખંડમાં વિષય ભણાવતા પહેલાં દરરોજ પાંચ મિનિટ બાળકોને જીવન જીવવાની કળા, દેશભક્તિ, સંસ્કાર અને માતૃ-પિતૃ ભક્તિ વિશે માર્ગદર્શન આપે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા શિક્ષકો ટેકનોલોજી અને સંસ્કૃતિ બંનેનો સુમેળ સાધીને ઉત્તમ પેઢીનું નિર્માણ કરે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પારિતોષિક વિજેતા શિક્ષકોની સેવા સાધનોની પ્રશંસા કરતા કહ્યું કે, શિક્ષક માત્ર વ્યવસાય નથી તે એક રાષ્ટ્રધર્મ છે અને વ્યક્તિના જીવન ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું કાર્ય શિક્ષક કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની પરંપરાગત વિરાસત તથા અદ્યતન ટેક્નોલોજીના સમન્વયથી શિક્ષણ વ્યવસ્થા અને બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવાનું સમગ્ર શિક્ષક સમુદાયને આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, શિક્ષકના વાણી, વર્તન અને વ્યવહારથી વિદ્યાર્થીને હંમેશા સકારાત્મક ઊર્જા મળે તેવું શ્રેષ્ઠ દાયિત્વ શિક્ષક સમુદાયે નિભાવવાનું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણને રોજગાર મેળવવાનું સાધન નહીં રાષ્ટ્ર ઘડતરનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે, તેમની વિઝનરી લીડરશીપ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી દેશની શિક્ષણ વ્યવસ્થામાં મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ નેશનલ એજ્યુકેશન પોલીસી દ્વારા હોલીસ્ટિક ડેવલપમેન્ટ માટે શિક્ષણને સ્કીલ બેઈઝ્ડ અને ફ્યુચરિસ્ટિક બનાવવાનો આયામ આદર્યો છે.
તેમના દિશાદર્શનમાં ગુજરાતે શિક્ષણ સેવાનો અને કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવનો યજ્ઞ જન આંદોલન સ્વરૂપે ઉપાડીને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી દીધું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેર્યું હતું.
આજે વિદ્યાર્થી એ.આઇ. ડિજિટલ ટેકનોલોજી, ગુગલ જેવા અદ્યતન સંસાધનોના સહારે વિશ્વના પ્રવાહો સાથે સતત જોડાયેલો રહે છે. આવા સમયે શિક્ષકોએ પણ ટેકનોલોજીથી સતત અપડેટ થતા રહેવું આવશ્યક છે. એટલુ જ નહીં, એ ટેકનોલોજીનો ઉપયોગ સમજદારી અને જવાબદારી પૂર્વક થાય તે દિશામાં શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોને પ્રેરણા આપતા જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047 માટે ‘સપ્તધારા’નો જે સંકલ્પ આપ્યો છે તેને ગતિ આપતી સામર્થ્યવાન પેઢીના ઘડતરનું સેવા કાર્ય નિષ્ઠાપૂર્વક શિક્ષક સમુદાય નિભાવે તેવો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકની સજ્જતાથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો કોલ આપ્યો હતો.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
આ પ્રસંગે શિક્ષકો અને તેમના પરિવારોને અભિનંદન આપતાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ શિક્ષક એ છે જે આવનારી પેઢીને માત્ર ભણાવતો નથી, પરંતુ પ્રેરણા પણ આપે છે. બાળકમાં સંસ્કાર, ગુણવત્તા, કૌશલ્ય અને જિજ્ઞાસાવૃત્તિનું સિંચન કરવામાં શિક્ષકની ભૂમિકા મુખ્ય છે. આ સમારોહ માત્ર શિક્ષકોનો સત્કાર નથી, પણ જ્ઞાનનું સન્માન કરવાનો એક પવિત્ર પ્રયાસ છે. જે સમાજ જ્ઞાનનું સન્માન કરે છે, તે જ પ્રગતિ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવી શકે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનમૂલ્યોને યાદ કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સંસદ અને વિધાનસભામાં કાયદા બને છે, પરંતુ દેશનું સાચું ભવિષ્ય તો શાળાના વર્ગખંડોમાં શિક્ષકો દ્વારા જ ઘડાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓ સુધીના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ આપવા સતત પ્રયત્નશીલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP-૨૦૨૦ને સંપૂર્ણ રીતે સફળ બનાવી ગુજરાતના પ્રત્યેક બાળકને સક્ષમ, સંવેદનશીલ અને આત્મનિર્ભર નાગરિક બનાવવા માટે સમગ્ર શિક્ષણ પરિવારને મંત્રી ડૉ. વાજાએ આહ્વાન કર્યું હતું.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણેએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ભારતભૂમિના મહાન તત્વચિંતક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાએ હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
આ સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એમ. નાગરાજન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એમ. એ. પંડ્યા, કમિશનર ઓફ સ્કુલ શ્રી આનંદ પટેલ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પ્રકાશ ત્રિવેદી એવોર્ડી શિક્ષકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.