કોરોના કાળમાં પણ ગુજરાતે શ્રમિકોની સુરક્ષા અને સન્માન જાળવ્યાં: રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા

શ્રમિકોના પરિવારોને સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવું એ આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત તાપી હોલ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી તથા શ્રમ નિયામકની કચેરી દ્વારા આયોજિત લેબર કોડ્સ અંગેની બેઠકમાં તેઓ અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
બેઠકમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોના કલ્યાણ, શ્રમિકોની સલામતી અને આરોગ્ય, કાર્યસ્થળની પરિસ્થિતિઓ તેમજ નવા લેબર કોડ્સની જોગવાઈઓ અંગે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શ્રમમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે શ્રમિકો રાજ્ય અને દેશના વિકાસનો પાયો છે. બાંધકામ સ્થળે કામ કરતા શ્રમિકોને પોતાના પરિવારના સભ્ય સમાન ગણીને તેમને સલામતીનાં સાધનો, આરોગ્યલક્ષી સુવિધાઓ અને સુરક્ષિત કાર્યપરિસ્થિતિઓ પૂરી પાડવી જોઈએ. બાંધકામ સ્થળે અકસ્માતો અટકાવવા સલામતીનાં સાધનોનો ઉપયોગ અને નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા તેમણે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેક શ્રમિકો સરકારી યોજનાઓ અને શ્રમ કાર્ડના લાભોથી અજાણ હોય છે. શ્રમિકો અને તેમના પરિવારોને શિક્ષણ, તબીબી સારવાર તથા સામાજિક સુરક્ષાને લગતી યોજનાઓનો લાભ મળી રહે તે માટે ઈ-નિર્માણ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવામાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ સક્રિય સહયોગ આપવો જોઈએ. શ્રમિકોનાં બાળકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓથી વંચિત ન રહે તે માટે સરકાર અને નોકરીદાતાઓએ સંકલિત પ્રયાસો કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
શ્રી બાવળીયાએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોના કલ્યાણ માટે પણ પ્રતિબદ્ધ છે. શ્રમિકો અને નોકરીદાતાઓ બંનેનાં હિતોનું રક્ષણ થાય તથા તેમના પ્રશ્નોનું સંવાદ અને સહકારથી નિરાકરણ આવે તે માટે સરકાર સકારાત્મક અભિગમ અપનાવી રહી છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઔદ્યોગિક અને બાંધકામ ક્ષેત્રના વિકાસમાં ઉદ્યોગકારો તથા શ્રમિકોનું મહત્વપૂર્ણ યોગદાન છે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના શ્રમિક સુધી પહોંચે તે પ્રાથમિકતા છે. શ્રમિકો કે ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશાં સકારાત્મક અભિગમ ધરાવે છે.
કોરોના મહામારીના સમયગાળાને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકારે શ્રમિકોની સુખાકારીની ચિંતા કરી હતી. શ્રમિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને ટ્રેનો મારફતે સુરક્ષિત રીતે વતન પહોંચાડવા માટે સહયોગ આપવામાં આવ્યો હતો. આ રીતે શ્રમિકોની સુરક્ષા અને સન્માન જાળવવા ગુજરાતે પ્રયત્નો કર્યા હતા.
બેઠકમાં વેતન સંહિતા-2019 (Code on Wages), સામાજિક સુરક્ષા સંહિતા-2020 (Code on Social Security) અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા-2020 (OSH Code)ની જોગવાઈઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર OSH Code હેઠળ સંસ્થાઓની નોંધણી અને કોન્ટ્રાક્ટરોના લાઇસન્સ સંબંધિત પ્રક્રિયાઓ અંગે પણ હિતધારકો સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય લેબર કોડ્સના અમલીકરણને અનુલક્ષીને શ્રમિકો અને નોકરીદાતાઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવો, શ્રમિકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું અને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ વધારવાનો હતો.
આ બેઠકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સેહરા, નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રી પી. એમ. શાહ, અધિક શ્રમ આયુક્ત શ્રી એમ. સી. કારિયા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, CREDAI સાથે સંકળાયેલા બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટ-લેબર એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.