
પાંચમી સપ્ટેમ્બર – ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવાની માંગણીના ઉપલક્ષમાં જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે, જો ૫મી સપ્ટેમ્બરને ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે એવી રાષ્ટ્રપતિની રજૂઆતથી જાહેર કરવામાં આવેલ શિક્ષક દિવસને રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં નક્કી કરવામાં આવ્યું. તેના ભાગ રૂપે આજે વ્યારા મુકામે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા સતત ત્રીજા વર્ષે શિક્ષક દિન નિમિત્તે આયોજિત નેશન બિલ્ડર એવોર્ડ સમારોહમાં વ્યારા નગર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારની શાળાઓના અને ઓગસ્ટ મહિનામાં 12મી અને 14મી તારીખે સમગ્ર તાપી જિલ્લાની 50 સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક શિક્ષકો માટે આયોજિત ટીચર્સ ટ્રેનીંગ પ્રોગ્રામમાં “Cerrtificate of Competency” દ્વારા સન્માનિત 5 શિક્ષકો સાથે કુલ 71 શિક્ષકોને Nation Builder Award થી સન્માનિત કરવામાં આવ્યા. સમારંભના પ્રમુખ સ્થાને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી-તાપી – સુશ્રી ધારાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, અતિથિ વિશેષ પદે ડેપ્યુટી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી-તાપી – શીતલબેન પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક તેમજ Rotary District 3060 ના Assistant Governor અને તાજપોર- બારડોલી સ્થિત RNGPITના ડાયરેક્ટર રો. ડૉ. લતેશ ચૌધરી, વ્યારા નગરના સિનિયર એનેસ્થેટિસ્ટ અને મુખ્ય શૈક્ષણિક સંસ્થાના ઉપપ્રમુખ ડૉ. અરવિંદ પટેલ અને યુવાન અને પ્રગતિશીલ બિલ્ડર તથા સરકારી કોન્ટ્રાક્ટર અને પી. પી. સવાણી વિદ્યામંદિરના ડિરેક્ટર ભરતભાઈ બથવાર અને મોટી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ વ્યારાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રોટરી પ્રણાલીકા મુજબ – મીટીંગ ઇસ કોલ ટુ ઓર્ડર – ક્લબ સેક્રેટરી ડૉ. આશિષભાઈ શાહે અને ચતુર્વિધ કસોટીનું વાંચન રો. અર્જુનભાઈ ગામીતે કર્યું, રચના પટેલે સુંદર પ્રાર્થનાની રજૂઆત કરી, સર્વે મંચસ્થ મહાનુભવોએ દિપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમમાં અજવાળા પાથર્યા. શાબ્દિક સ્વાગત પ્રવચન પ્રમુખ કમલ ભાવસારે મંચસ્થ મહાનુભવોઓનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરતા જિલ્લાની વિવિધ 28ના શાળાના શિક્ષકોનું સન્માન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનો ગર્વ પ્રગટ કર્યો અને સાથે જ શિક્ષકને રાષ્ટ્રનો સાચો નિર્માતા ગણાવ્યો અને આજના કાર્યક્રમમાં અર્પિત થનાર એવોર્ડ એક નાનકડી વંદના હોવાનું જણાવ્યું.

ઉપસ્થિત મુખ્ય મહેમાન તાપી જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી ધારાબેન પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું કે આજના શિક્ષણમાં શિક્ષકનું શિક્ષકત્વ જળવાઈ રહેવું જોઈએ. અતિથિ વિશેષ નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શીતલ પટેલે પ્રસંગોચિત ઉદબોધનમાં પોતે એક શિક્ષિકા – આચર્યા અને હાલ અધિકારી તરીકે બધા અનુભવોમાં એક શિક્ષિકા તરીકેની કામગીરી બજાવવાનો વિશેષ ગર્વ હોવાની વાત કરી. અન્ય અતિથિ વિશેષ યુવાન બિલ્ડર ભરત બથવારે રોટરીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ આજના કાર્યક્રમમાં હાજરી આપવાનો ગર્વ પ્રગટ કર્યો, કાર્યક્રમમાં હાજર શિક્ષકોને વ્યારા રોટરીમાં જોડાવાનું આહવાન આપ્યું હતું અને રોટરી વ્યારાની સમગ્ર ટીમને બિરદાવી હતી. વ્યારાની મુખ્ય શૈક્ષણિક સંસ્થા – ર. ફ. દાબુ. કેળવણી મંડળના ઉપપ્રમુખ ડૉ. અરવિંદ પટેલે પ્રસંગોચિત ઉદબોધનમાં સાંપ્રત શિક્ષણ પ્રણાલીઓ વિશે ચર્ચા કરી હતી અને રોટરીની ચતુર્વિધ કસોટીની યથાર્થતા પર ભાર મૂક્યો હતો. અને શ્રી ભરતભાઈ બથવાર અને ડૉ. અરવિંદભાઈ પટેલ એ રોટરી ક્લબ ઓફ વ્યારાની કામગીરીથી પ્રભાવિત થયા હતા અને પ્રમુખ શ્રી રો. કમલ ભાવસારના નિમંત્રણને માન આપી રોટરી ક્લબનું સભ્યપદ સ્વીકાર્યું હતું. તેઓએ આસિસ્ટન્ટ ગવર્નર ડો. લતેશ ચૌધરીના હસ્તે રોટરી પિન પહેરાવી સન્માન સહ ક્લબમાં આવકાર્યા હતા. Asst. Governor ડૉ. લતેશ ચૌધરીએ આજના શિક્ષણમાં વ્યવસાયિક અને પ્રાયોગિક શિક્ષણનો સમન્વય કરવા પર ભાર મૂક્યો હતો. ટીચર્સ ટ્રેનીંગ પ્રોગ્રામમાં વિશેષ પ્રતિભા ધરાવતા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમના એક શિક્ષકે ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે અભિપ્રાય આપતા રોટરી ક્લબ ઓફ વ્યારાનો સવિશેષ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેમણે ખાનગી અને સરકારી વિવિધ શાળાઓમાં કાર્ય કરતા વિશિષ્ટ પ્રકારની તાલીમ મેળવી હતી, જ્યાં બે દિવસની તાલીમને અંતે જરાપણ થાક ન લાગ્યો કે કંટાળો ન આવ્યો. અન્ય એક શિક્ષકે આભાર વ્યક્ત કરતાં, તેમની શાળાના સંચાલકો, વિવિધ વિભાગના આચાર્ય અને રોટરી ક્લબનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન નિલેશ સોની અને IPP ઋજુતા ગાંધીએ કર્યું. આભાર દર્શન નવા રોટેરિયન સંજય પટેલે કર્યું. રાષ્ટ્રગીતનું પઠન કરી અંતે ગ્રુપ ફોટો લઈ છૂટા પડ્યા હતા.