ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ : મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર

અમદાવાદ AMA ખાતે ‘Conducting Elections in India – The Largest Democracy in the World’ વિષય પર પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશેષ સંવાદ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહીને સફળતાપૂર્વક ધબકતી રાખતી વિશાળ અને પારદર્શક વ્યવસ્થા છે. બંધારણ, ચૂંટણી કાયદા અને ભારતના ચૂંટણી પંચની સૂચનાઓના ચુસ્ત પાલન સાથે દેશમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે યોજાયેલા Conducting Elections in India – The Largest Democracy in the World વિષય પરના વિશેષ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું.

પ્રબુદ્ધ નાગરિકો સાથેના સંવાદમાં શ્રી જ્ઞાનેશ કુમારે ભારતની ચૂંટણી પ્રક્રિયાની વિશાળતા અને તેના સંચાલનના વિવિધ પાસાંની રસપ્રદ રીતે સમજ આપતાં જણાવ્યું હતું કે, આશરે ૯૦ કરોડ મતદારો ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણીનું આયોજન વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે. સામાન્ય ચૂંટણી દરમિયાન આશરે ૧.૮ કરોડ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાય છે. આટલા વિશાળ માનવબળ અને મતદારો સાથે ચૂંટણીનું સફળ સંચાલન ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશિષ્ટ ક્ષમતાનું દ્યોતક છે.

તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય ત્રણ તબક્કા મતદાર યાદીની તૈયારી, મતદાન અને મતગણતરી છે. દેશમાં આશરે ૧૨ લાખ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરે છે. પાત્ર મતદારોનો સમાવેશ થાય અને અયોગ્ય નામો મતદાર યાદીમાં ન રહે તે માટે સતત ચકાસણી કરવામાં આવે છે. દરેક પાત્ર વ્યક્તિ મતદાર બને અને કોઈપણ અયોગ્ય વ્યક્તિ મતદાર ન બને એ ચૂંટણી વ્યવસ્થાનો મૂળભૂત ઉદ્દેશ હોવાનું જણાવતાં તેમણે મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

શ્રી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયાની વિશેષતા એ છે કે મતદાર યાદીથી લઈને મતદાન અને મતગણતરી સુધીના વિવિધ તબક્કે રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓની સહભાગિતા રહે છે. બૂથ લેવલ એજન્ટ્સ દ્વારા મતદાર યાદીની ચકાસણી તેમજ મતદાન પહેલાં EVMનું મોક પોલ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે EVM ઈન્ટરનેટ, વાઈ-ફાઈ કે બ્લૂટૂથ સાથે જોડાયેલું નથી. મતદાન શરૂ થતાં પહેલાં ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મૉક પોલ કરવામાં આવે છે અને મશીન યોગ્ય રીતે કાર્યરત છે તેની ચકાસણી બાદ જ વાસ્તવિક મતદાન શરૂ થાય છે.

મતદાન પૂર્ણ થયા બાદ ફોર્મ-૧૭Cમાં પડેલા કુલ મતોની નોંધ કરવામાં આવે છે અને EVMને નિર્ધારિત પ્રક્રિયા મુજબ સીલ કરવામાં આવે છે. મતગણતરી દરમિયાન પણ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં EVMના પરિણામની ચકાસણી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીના વધતા ઉપયોગ અંગે જણાવ્યું હતું કે વિશાળ ચૂંટણી તંત્ર વચ્ચે ઝડપી અને અસરકારક સંચાર માટે ECI Net જેવા એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ વિવિધ એપ્લિકેશન્સ દ્વારા થતું સંચાર એકીકૃત કરીને વધુ અસરકારક ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

તેમણે યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક પાત્ર નાગરિકે મતદાર તરીકે નોંધણી કરાવી પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. વધુને વધુ નાગરિકોની સહભાગિતા લોકશાહીને વધુ સશક્ત બનાવે છે.

શ્રી જ્ઞાનેશ કુમારે ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશાળતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી લઈને લોકસભા, રાજ્યસભા તથા વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સુધીની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન બંધારણીય માળખા અને નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. વિશાળ સંખ્યા, વિશાળ ભૌગોલિક વિસ્તાર અને કરોડો મતદારો વચ્ચે ચૂંટણીનું સુવ્યવસ્થિત સંચાલન ભારતની લોકશાહીની વિશિષ્ટ ઓળખ છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ સાગળે, AMAના પ્રેસિડેન્ટ શ્રી રાજીવ ગાંધી, શ્રી રિન્કેશ પટેલ, શ્રી યોગેશ ઠક્કર સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ, AMAના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *