ખેરવા ખાતે ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’ નો સંદેશ ગુંજ્યો: ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે યુવાનોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા આહ્વાન કર્યું

આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સ્વદેશી અભિયાનને વધુ અસરકારક બનાવવા અને યુવાઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આજરોજ ગણપતિ યુનિવર્સિટી, ખેરવા ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ચીજવસ્તુઓની બનાવટ, પ્રોત્સાહન તથા તેમના વ્યાપક ઉપયોગ દ્વારા દેશની આર્થિક મજબૂતીમાં મહિલાઓ, યુવાઓ સહિત સર્વેની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સર્વેએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રતિજ્ઞા લઈ આ સંદેશને જનજન સુધી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અવસરે ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આત્મનિર્ભર ભારતના વિઝન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ”આત્મનિર્ભર ભારત”ને પ્રોત્સાહન આપવા માટે ‘સ્વદેશી અપનાવો’ તથા ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ૨૫ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત @ ૨૦૪૭ ‘ ના વિઝનને સહકાર આપવા માટે ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’ ની ચળવળ ચાલી રહી છે, જેમાં આજનો યુવાન એક મજબૂત પીઠબળ ધરાવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ માત્ર દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક ઉદ્યોગો, કારીગરો અને નાના વેપારીઓને પણ નવી તકો પૂરી પાડે છે. મંત્રીશ્રીએ યુવાઓને સ્ટાર્ટઅપ, મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ક્ષેત્રે આગળ આવી સ્વદેશી વિચારધારાને આત્મસાત કરવાની અપીલ કરી હતી.

યુવાનો વિકસિત ભારતની પરિકલ્પના છે: લોકસભા સાંસદશ્રી

આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી પેઢી વિકસિત ભારતની પરિકલ્પના છે, આજનો યુવા આવતીકાલનું ભવિષ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વદેશી અભિયાનની પહેલને મજબૂત કરવા રાજ્યના દરેક નાના-મોટા સ્થળોએ તેને પ્રોત્સાહિત કરવા માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે, જે તેના વિકાસની દિશા સૂચવે છે તેમજ ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત @ ૨૦૪૭’ ના પંથને મોકળો કરે છે. સાંસદશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગો, નાના વેપારીઓ, કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવાથી રોજગારીની નવી તકો સર્જાય છે અને દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે છે.

આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેનશ્રી ગણપત પટેલ, અગ્રણી શ્રી જયરાજસિંહ પરમાર, મહેન્દ્રભાઈ શર્મા, દિગ્વિજય દેસાઈ, જીગરભાઈ માળી, મયુર પટેલ સહિત યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રતિજ્ઞા લઈ, આ સંદેશને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM