નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી શબ્દશરણ તડવીએ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. પદભાર ગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તથા પૂર્વ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલકુમાર રાવ સહિત ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીનું ખેસ પહેરાવી તથા ગુલદસ્તો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. મીઠાઈ ખવડાવીને શ્રી શબ્દશરણ તડવીને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી નીલકુમાર રાવે જણાવ્યું હતું કે, “આજે આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓની શક્તિથી સતત આગળ વધતી પાર્ટી છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમના નેતૃત્વમાં નર્મદા જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બને અને કાર્યકર્તાઓને સાથે લઈને જનસેવાના કાર્યોને નવી ગતિ મળે તેવી શુભકામનાઓ.”
શ્રી નીલકુમાર રાવે વધુમાં જણાવ્યું હતું કે ભાજપમાં સંગઠનાત્મક જવાબદારીઓ સમયાંતરે બદલાતી રહે છે, પરંતુ કાર્યકર્તા તરીકે સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને જનસેવાની ભાવના સતત જળવાઈ રહે છે. નર્મદા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ એકજૂથ થઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કાર્ય કરવું જોઈએ.
નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ પદભાર સ્વીકાર્યા બાદ ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પક્ષના સંગઠનને મજબૂત બનાવવા તથા કાર્યકર્તાઓને સાથે લઈને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.