સેવા સંકલ્પ અભિયાન હેઠળ સિદ્ધપુરમાં શિક્ષણ સેવા: આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે ચોપડા વિતરણ
‘શિક્ષણના પથ પર સેવા મારું યોગદાન’ – ભૂલકાંઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરક કાર્યક્રમ યોજાયો

ભારતના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જાહેર જીવનના સેવા, સુશાસન અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેના જ ભાગરૂપે ‘સેવા મારું યોગદાન’ થીમ હેઠળ સિદ્ધપુર તાલુકાના સુજાણપુર-સેદરાણા રોડ પર આવેલી આશ્રમ શાળા ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ અને આદિજાતિ સમાજના નાના ભૂલકાંઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સિદ્ધપુરના લોકપ્રિય અને સેવાભાવી ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વરદ હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રેમભાવ સાથે ચોપડાનું વિતરણ કર્યું હતું. ચોપડા મળતા જ બાળકોના ચહેરા પર અનેરો હર્ષ અને આનંદ છવાઈ ગયો હતો.



બાળકોને ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ:
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત એ બાળકો સાથે અત્યંત આત્મીયતાથી સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને કહ્યું હતું કે, “તમે બધા ખૂબ મહેનત કરીને ભણો, આજનું તમારું શિક્ષણ એ જ આવતીકાલના વિકસિત ભારતનો પાયો છે. તમારી સફળતામાં જ તમારા માતા-પિતા, તમારા શિક્ષકો અને સમગ્ર સમાજનું ગૌરવ છે.” બાળકો સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે બાળકોના શિક્ષણ, રહેવાની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી.
આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમ શાળાના સ્થાપકશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષકગણનો સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે એપીએમસી ચેરમેનશ્રી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સ્થાનિક સામાજિક અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, દેવતુલ્ય કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંતે આશ્રમ શાળા પરિવાર દ્વારા ધારાસભ્યશ્રીનો આ સેવાકીય કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.