ગાંધી જયંતિ નિમિત્તે સિદ્ધપુરમાં પૂજ્ય બાપુને ભાવાંજલિ: ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ગાંધી પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી નમન કર્યા
સત્ય, અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર ચાલવાનો સંકલ્પ – નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે ભાવસભર કાર્યક્રમ

સિદ્ધપુર
તા. ૦૨ ઓક્ટોબર ૨૦૨૬આજરોજ સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સિદ્ધપુર ખાતે પણ ભાવસભર રીતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.સિદ્ધપુર નગરપાલિકા બાજુમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન શોપિંગ સેન્ટર ખાતે સ્થાપિત પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સિદ્ધપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂતે પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યા હતા અને બાપુના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, “પૂજ્ય બાપુએ સત્ય, અહિંસા, સ્વચ્છતા અને માનવતાના જે વિચારો આપ્યા છે, તે આજે પણ સમગ્ર વિશ્વને શાંતિ અને સદભાવનાનો માર્ગ દર્શાવે છે. તેમનું જીવન એ જ એક સંદેશ છે. તેમના જીવનમૂલ્યોને આત્મસાત કરીને સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને ‘સ્વચ્છ ભારત મિશન’ દ્વારા સાકાર કર્યું છે, જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
આ અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પૂજ્ય બાપુના અવિસ્મરણીય યોગદાનનું સ્મરણ કરી તેમને કોટિ-કોટિ વંદન અર્પણ કર્યા હતા અને ગાંધી વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ ભાવાંજલિ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, જિલ્લા મંત્રીશ્રી, તાલુકા અને શહેર મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, મહિલા મોરચો, યુવા મોરચો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.