
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન તરીકે જાહેરસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થશે. ત્યારે તેમના આ ૨૫ વર્ષના નિઃસ્વાર્થ નેતૃત્વ, વિકાસ અને સુશાસનના શાસનકાળ પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવા માટે સમગ્ર દેશ અને ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે.
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત આવતીકાલ એટલે તા. ૭ ઓક્ટોબરના રોજ “વિકસિત ભારત સંકલ્પ સભા”નું રાષ્ટ્રવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૧૦.૦૦ કલાકે આ સભાના માધ્યમથી સમગ્ર દેશને સંબોધશે તેમ જ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે.
આ સભા અંતર્ગત ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રૂપાલ (ગાંધીનગર જિલ્લા) તથા અન્ય જિલ્લાઓમાં વિવિધ પ્રભારી મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાશે.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ “સેવા જ્યોત યાત્રા”ને પ્રસ્થાન કરાવવામાં આવશે. સમગ્ર દેશમાં તા. ૦૭ ઓક્ટોબરના રોજ “સેવા જ્યોત યાત્રા” યોજાશે. ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરના પ્રસ્થાન સ્થળે વડાપ્રધાનશ્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક અગ્રણીઓ દ્વારા ‘સેવા જ્યોતિ’ પ્રજ્વલિત કરી યાત્રાનો સત્તાવાર પ્રારંભ કરાવાશે.
વડનગર અને વારાણસી ખાતે યાત્રાનું સમાપન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ૭ ઓક્ટોબરે વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલા બે ઐતિહાસિક કેન્દ્રો – વડનગર (ગુજરાત) અને વારાણસી (ઉત્તર પ્રદેશ) ખાતે એકસાથે સમાપન થશે. વડનગર ખાતે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે આ યાત્રા સંપન્ન થશે.
વડનગરમાં યોજાનાર સમાપન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને યાત્રાના પ્રભારી શ્રી વી.ડી. શર્મા ખાસ ઉપસ્થિત રહેશે.
આ અભિયાન અંતર્ગત યુવાનો દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, ગૌ-સેવા અને વૃદ્ધાશ્રમોમાં સેવા જેવા અનેક સામાજિક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.