ઈકબાલ મેમણ

સાબરકાંઠા જિલ્લામાં RTI Week Celebration અંતર્ગત હિંમતનગર કલેક્ટર કચેરીના પોળો સભાખંડ ખાતે ‘સંવાદ- માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદૃઢીકરણ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. માહિતી કમિશનરશ્રી સુબ્રહ્મણિયમ આર. ઐયરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પરિસંવાદમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન RTI Week Celebrationની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના અસરકારક અમલીકરણ, જાહેર માહિતી અધિકારીઓની જવાબદારી તથા પારદર્શક વહીવટ અંગે જાગૃતિ અને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. નાગરિકોને સરકારી વિભાગો અને જાહેર સત્તામંડળો પાસેથી માહિતી મેળવવાનો અધિકાર આ અધિનિયમ દ્વારા આપવામાં આવ્યો છે. માહિતી અધિકારના અસરકારક અમલીકરણથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા વધે છે અને નાગરિકો તથા વહીવટી તંત્ર વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બને છે.
પરિસંવાદ દરમિયાન માહિતી અધિકાર અધિનિયમના અમલીકરણ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ, જવાબદારીઓ અને પારદર્શક વહીવટ અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ચ્યુઅલ પરિસંવાદમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.