
ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર મુદ્દાઓને લઈને કરવામાં આવી રહેલી હડતાલના સંદર્ભમાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અંગે વિગતો આપતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,
કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણી સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા મંડળ સાથે વિસ્તૃત વિગતો મેળવીને, રાજ્યના વિવિધ વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને પ્રશ્નોનો કાયમી અને દૂરોગામી ઉકેલ લાવવાનો અભિગમ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય જટિલતા કે પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, જાહેર જનતાને દૈનિક કામગીરીમાં કોઈ અડચણ કે દખલ ન પડે તેમજ રાજ્યનું હિત જળવાઈ રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અત્યંત સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારના આ સકારાત્મક અભિગમને કર્મયોગી મંડળના અગ્રણીઓએ આવકારીને સંતોષ વ્યક્ત કર્યો છે.
ભવિષ્યમાં પણ કર્મચારી મંડળના આવા કોઈપણ પ્રશ્નો કે રજૂઆતો અંગે ચર્ચા-વિચારણા કરવા માટે રાજ્ય સરકાર હંમેશાં હકારાત્મક સંવાદ માટે તત્પર રહેશે અને તે માટે કમિટી સ્તરે નિયમિત સંવાદ જાળવવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના આ સકારાત્મક અને પ્રજાહિતલક્ષી અભિગમ બાદ કર્મચારી મંડળ અને સરકાર વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં ચર્ચા પૂર્ણ થઈ હતી.
આ બેઠકમાં સેટેલમેન્ટ કમિશ્નર શ્રી આર્દ્રા અગ્રવાલ, મહેસૂલ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ જેવા કે પ્રમુખ શ્રી વિજય રાવલ, મહામંત્રી શ્રી પંકજ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી પંકજ પરમાર, સંગઠન મંત્રી શ્રી સંજય પ્રજાપત અને ખજાનચી શ્રી રાજ એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.