દિવ્યાંગજનોના સશક્તીકરણને પ્રોત્સાહન આપવા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિ’ની બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પસંદગી સમિતિના કુલ ૧૩ સરકારી અને બિનસરકારી સભ્યો દ્વારા વર્ષ ૨૦૨૫ માટે પ્રાપ્ત થયેલી કુલ ૬૯ અરજીઓની વિગતવાર ચકાસણી કરીને આખરી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણાના અંતે જાહેર અને ખાનગી ક્ષેત્રને આવરી લેતી મુખ્ય ૩ કેટેગરીમાં કુલ ૩૨ પારિતોષિકો નક્કી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત દિવ્યાંગજનોને રોજગાર કે સ્વરોજગાર માટે ૨૩ પારિતોષિક, ઉત્કૃષ્ટ નોકરીદાતાઓને ૦૮ તેમજ ૦૧ પ્લેસમેન્ટ ઓફિસરને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ વેગ આપવા માટે ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રોજગાર કે સ્વરોજગાર કરતા દિવ્યાંગજનો, દિવ્યાંગ કર્મચારીઓને રોજગારીની તકો પૂરી પાડતા નોકરીદાતાઓ તથા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાએ વાર્ષિક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે.

રાજ્ય કક્ષાની આ પારિતોષિક યોજના હેઠળ દિવ્યાંગતાના પ્રકાર અને કક્ષાને ધ્યાને લઈને મુખ્યત્વે ૩ કેટેગરીમાં કુલ ૩૨ પારિતોષિક એનાયત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ નોકરીદાતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર, રોજગાર કે સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને રૂ. ૧૦,૦૦૦નું પ્રોત્સાહન તથા પ્રમાણપત્ર, જ્યારે પ્લેસમેન્ટ ઓફિસરને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે.

રોજગાર વિભાગના મદદનીશ નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભારવિધિ કરી હતી.

બેઠક દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ શ્રી લોચન સેહરા, દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનર શ્રી વી. જે. રાજપૂત, રોજગાર અને તાલીમ નિયામક શ્રી એ.કે.વસ્તાણી, સંયુક્ત સચિવ શ્રી તેજસ સોની સહિત અન્ય સરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બિનસરકારી સભ્યો તરીકે કુ. કૌશલ્યા કુંવરબા વી. પરમાર તથા શ્રી કાંતિભાઈ આર. પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *