મહિલા અધ્યક્ષાનો અનુરોધ મેન ફોર વિમેન થીમ પર યોજાયેલ વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં પ્રેરણા પુરૂષોનું સન્માન

સમાજની તરછોડાયેલી દિકરીઓનો હાથ પકડનાર પ્રેરણા પુરૂષોને મહિલાઓના સશકિતકરણમાં વધુમાં વધુ કામ કરવા     મહિલા અધ્યક્ષાનો અનુરોધ મેન ફોર વિમેન થીમ પર યોજાયેલ વિશ્વ મહિલા  દિનની ઉજવણીમાં પ્રેરણા પુરૂષોનું સન્માન
ગાંધીનગર
વિશ્વ મહિલા  દિનની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે આંબેડકર ભવનમાં મેન ફોર વિમેન થીમ પર યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતાં ગુજરાત રાજય મહિલા આયોગની અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાએ મહિલાઓના સશકિતકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રેરણા પુરૂષોનું સન્માન કરતાં જણાવ્યું કે સમાજની તરછોડાયેલી – પિડિતા દિકરીઓનો હાથ પકડનાર પ્રેરણા પુરૂષોને મહિલાઓના સશકિતકરણ માટે વધુમાં વધુ કામ કરવા અનુરોધ કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓનું  આર્થિક સશકિતકરણ પુરતુ નથી. તેમનું આર્થિકની સાથે સાથે સમાજિક, શૈક્ષણિક અને રાજકીય સશકિતકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. વ્યવસાય ક્ષેત્રે રોજગારીમાં ૩૩ટકા અને રાજકીય ક્ષેત્રે  ૫૦ ટકા આરક્ષણ સાથે સ્ત્રી સશકિતકરણ કરવામાં આવ્યું હોવા છતાં નિર્ણાયક સશકિતકરણ પુરેપુરુ ૧૦૦ ટકા નથી જે હોવું જોઇએ.તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્ત્રીને જન્મથી જ અન્યાય સહન કરવો પડે છે. સ્ત્રી માતા, બેન, દિકરી અને પત્નિ તરીકે પુરૂષની સાથે છે તેમ છતાં જેન્ડરમાં ભેદભાવ જોવા મળે છે. ૧૦૦૦ પુરૂષોએ ૯૨૩ સ્ત્રીઓ છે એનો અર્થ કે બાકીના પુરૂષો અપરણિત રહે છે. જેના કારણે સ્ત્રીઓ ભોગ બનતી હોય છે, જેથી ગર્ભ પરિક્ષણ કરવાનો નિર્ણય સ્ત્રીનો પોતાનો હોવો જોઇએ.
અધ્યક્ષા શ્રીમતી અંકોલિયાએ ઉપસ્થિત મહિલાઓને પોતાના દિકરાઓને સંસ્કાર આપવા અને સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન ન બનવી જોઇએ. તેમ જણાવી ખુબ જ સ્વચ્છંદી અને આધુનિક કહેવાતી સ્ત્રીઓએ સમાજની મર્યાદા જાળવવી જોઇએ તથા બીજી સ્ત્રીનું ઘર ભાગે  નહી તેનો પરિવાર ઉઝડે નહી તેવી પ્રમાણિકતા રાખવા  શિખામણ આપી હતી.શ્રીમતી અંકોલીયાને નવી દિલ્હી, વિજ્ઞાન ભવન ખાતે વુમન વોરીયર્સ ધ રીયલ હીરોઝના વર્કશોપમાં કોવિડ વુમન વોરીયર્સ થી નેશનલ કમિશન ફોર વુમેનના રાષ્ટ્રિય અધ્યક્ષા શ્રીમતી રેખાબેન શર્મા દ્વારા સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવેલ તેનો ઉલ્લેખ કરતાં, શ્રીમતી લીલાબેને મહિલા ક્ષેત્રે પોતે ખુબ જ સંઘર્ષ કરીને બિમાર, દુખી અને પિડિતા સ્ત્રીઓની મદદ કરીને આ ક્ષેત્રે ૧૨ વર્ષથી મહિલા આયોગની અધ્યક્ષા તરીકે સેવા બજાવીને મહિલાઓને વધુ માં વધુ સશકત બનાવવા અને ન્યાય અપાવવા રજૂઆત કરતાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૭૦ નારી અદાલતોને મંજૂરી આપી હતી.
તેમણે મહિલાઓની સુરક્ષા માટેની વિવિધ યોજનાઓની વિસ્તુત માહિતી આપીને સ્ત્રી વિના પુરૂષ અધૂરો છે. અને પુરૂષ વિના સ્ત્રી પણ સંપૂર્ણ નથી. તેથી પુરૂષોને સહકાર આપવા જણાવ્યું.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું કે, ભારત ….. ની નારી સર્વ શકિતમાન છે. નાના બજેટમાં ઘર પરિવાર ચલાવે છે એ પણ નારી છે. અને સમગ્ર ભારત દેશના નાણામંત્રી તરીકે પણ નિરમલા સીતારામ નાણાનો વહીવટ કરે છે. તે પણ એક નારી છે.તબીબી, એન્જિનિયરીંગ, કલેકટર, ડી.એસ.પી., પાયલોટ, રાજકીય અને અવકાશ ક્ષેત્રમાં પણ સ્ત્રીએ પોતાની શકિત દર્શાવી છે.ઘર-પરિવાર અને સમાજમાં પણ એટલુ જ સન્માન મેળવવા દિકરાઓને સંસ્કાર આપી નિયંત્રણમાં રાખવામાં આવે તો અઘટિત ઘટનાઓ બનતી અટકશે.
મહિલા અને બાળ વિકાસના સચિવ શ્રીમતી મનિષા ચંદ્રાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, સાચા અર્થમાં રાષ્ટ્રનો વિકાસ કરવો હશે તો મહિલાઓનો વિકાસ થવો જોઇએ. ભાઇઓ અને બહેનો વચ્ચેનો જેન્ડર ગેબ દૂર કરી સમાન તક આપવી જોઇએ પણ તેને હજુ ૧૦૦ વર્ષ લાગશે. પુરૂષોએ મહિલાઓને જુદા જુદા ક્ષેત્રે  વિકસાવવા ખુબ જ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે. ઘણી મહિલાઓએ કિર્તિમાનો સ્થાપ્યા છે. પુરૂષોની સહભાગીતા એટલી જ જરૂરી છે. આજે સન્માનિત થયેલ પ્રેરણા પુરૂષોની પ્રેરણા લઇ અન્ય પુરૂષોએ પણ આગળ આવવું જોઇએ.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર શ્રીમતી રતનકંવર ચારણ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, સ્ત્રી આ સૃષ્ટિની સુંદર રચના છે. બધાજ ગુણ સૃષ્ટિએ નારી સ્વરૂપમાં આપ્યા છે. સૃષ્ટિએ કરેલ રચનામાં ભેદભાવ નથી, જે સમાજે પણ સ્વીકારી ભેદભાવ દૂર કરવો જોઇએ અને નારીએ પણ કુટુંબ પરિવારમાં પોતાનું સન્માન જળવાય તેવા સંસ્કારના સિંચન કરવા જોઇએ.   
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી કુલદીપ આર્યએ જણાવ્યું કે, દરેક પુરૂષની સફળતામાં એક સ્ત્રીનો હાથ હોય છે. તેમ દરેક સ્ત્રીની સફળતામાં પણ એક પુરૂષનો હાથ હોવો જોઇએ. ગાંધીનગરમાં ૧/૩ મહિલા કર્મચારીઓ છે. તાજેતરની ચુંટણીમાં ૧૦ મહિલા ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી હતા. તેમ છતાં નોકરીના સ્થળોએ અને ઘરમાં કયારેક ભોગ બનતી મહિલાઓને સશકત  થવું જોઇએ.
આ પ્રસંગે સન્માનિત પ્રેરણા પુરૂષોમાં હસમુખ ભાઇ ખારેયા, મનુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પાઠક તેમજ વલ્લભભાઇ પટેલે તેમના સન્માનનો પ્રતિભાવ આપી તેમણે કરેલ મહિલા ક્ષેત્રેના વિકાસની વિસ્તૃત રજૂઆતો કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાલિની દૂહાન, મહિલા આયોગના કર્મીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર દર્શન વીણાબેન પટેલે કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *