રાજ્યની જાહેર આરોગ્ય સેવાઓની સર્વોચ્ચ સંસ્થા એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઉમદા તબીબી સેવા અને માનવતાનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જન્મથી જ અન્નનળીની ગંભીર અને જટિલ ખામી ‘ઈસોફેજિયલ એટ્રેસિયા’થી પીડાતા બે બાળકોને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ’ સર્જરી દ્વારા દોઢ અને અઢી વર્ષ બાદ જીવનની સૌથી મીઠી ક્ષણ એટલે કે મોઢેથી ખોરાક લેવાની ખુશી ભેટમાં આપી છે.
શું છે ‘ઈસોફેજિયલ એટ્રેસિયા’ અને ‘ગેસ્ટ્રિક પુલ-અપ’ સર્જરી?
દર વર્ષે દર ૨૫,૦૦૦થી ૪૦,૦૦૦ નવજાત બાળકોમાંથી ૧ બાળક આ પ્રકારની ગંભીર જન્મજાત ખામી સાથે જન્મે છે, જેમાં બાળકની અન્નનળી સંપૂર્ણ વિકસિત થતી નથી. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “ઈસોફેજિયલ એટ્રેસિયામાં મોઢેથી લેવાયેલો ખોરાક પેટ સુધી પહોંચી શકતો નથી. અત્યંત જટિલ એવી ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીમાં બાળકની હોજરીને ખેંચીને તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે.”

માતા-પિતાની આશાઓને મળ્યું અમદાવાદ સિવિલના તબીબી કૌશલ્યનું બળ:
બંને બાળકોના પરિવારો માટે દોઢ અને અઢી વર્ષ સુધી ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ વડે બહારથી થોડા થોડા સમયે ખોરાક આપી બાળકનું પોષણ ટકાવી રાખવું અગ્નિપરીક્ષા સમાન હતું. બાળકની આટલી લાંબી સંભાળ રાખવા બદલ વાલીઓની ધૈર્ય શક્તિ પણ બિરદાવવા લાયક ગણાય. સર્જરી બાદ તબીબો, નર્સિંગ સ્ટાફ અને એનેસ્થેસિયા ટીમની સતત ચોવીસ કલાકની સઘન સંભાળ તેમજ વાલીઓના અડીખમ વિશ્વાસના કારણે બંને બાળકો આજે સંપૂર્ણ સ્વસ્થ બન્યા છે.
કેસ–૧: અઢી વર્ષના ભવ્યએ પ્રથમ વખત મોઢેથી અન્નનો સ્વાદ ચાખ્યો
ભાવનગર જિલ્લાના સિહોરના રહેવાસી અને મજૂરી કામ કરતા મુકેશભાઇ તથા વર્ષાબેનના અઢી વર્ષના પુત્ર ભવ્યને જન્મ સમયે ઈસોફેજિયલ એટ્રેસિયા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ઈસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમી કરવામાં આવી હતી. અઢી વર્ષ સુધી ટ્યુબ દ્વારા જ ખોરાક લેતા ભવ્યની પીડિયાટ્રિક સર્જરી વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. રાકેશ જોશી, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. અદિતિ, ડૉ. સોનલ ભાગવત અને ટીમ દ્વારા સફળ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરવામાં આવી. કોઈ જટિલતા ન જણાતાં સર્જરીના ૨૨મા દિવસે ભવ્યએ જીવનમાં પ્રથમ વખત મોઢેથી ખોરાક લીધો હતો. હવે તે સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે.
કેસ–૨: વેદાંતની ૬૦ દિવસની સતત સંભાળ બાદ સફળતા
બિહારના નવાદાના રહેવાસી અને ભારતીય રેલવેમાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા પિંટુભાઇ તથા નેહાબેનના દોઢ વર્ષના પુત્ર વેદાંત કુમારની પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ ૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ સફળ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરવામાં આવી હતી. સર્જરીના ૨૧મા દિવસે વેદાંતે પ્રથમ વખત મોઢેથી ખોરાક લીધો હતો, પરંતુ ગળાના ભાગેથી સર્જરીથી જોડેલા ભાગમાંથી લીકેજની સમસ્યા ઊભી થતાં મોં વાટે ખોરાક બંધ કરી NJ ટ્યુબ દ્વારા ખોરાક આપી સતત દેખરેખ હેઠળ સારવાર કરાઈ હતી. ૪૭મા દિવસે ફરી મોઢેથી ખોરાક શરૂ કરાયો અને સતત ૬૦ દિવસની સઘન સારવાર બાદ વેદાંત હવે સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે.
ઈસોફેજિયલ એટ્રેસિયા ધરાવતા બાળકો માટે જન્મ બાદની સારવાર અત્યંત પડકારજનક હોય છે. જ્યારે બાળક લાંબા સમય સુધી ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ પર રહેતું હોય ત્યારે તેને ફરીથી મોઢેથી ખોરાક લેતા કરવું એ એક પડકારરૂપ સર્જિકલ અને રિહેબિલિટેશન પ્રક્રિયા છે. સિવિલ હોસ્પિટલના જટિલ સર્જરીની સફળતાના આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે યોગ્ય નિષ્ણાત ટીમ, અદ્યતન સર્જિકલ સુવિધાઓ અને લાંબા સમયની સંભાળ દ્વારા ઈસોફેજિયલ એટ્રેસિયા જેવી જટિલ જન્મજાત સ્થિતિ ધરાવતા બાળકોને પણ મોઢેથી ખોરાક લેતા કરી શકાય છે.
સરકારી હોસ્પિટલમાં જ શૂન્ય ખર્ચે આટલી નિષ્ણાત સારવાર શક્ય:
ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યું કે, લાખો રૂપિયાની આ અત્યંત જટિલ અને ખર્ચાળ સારવાર આર્થિક સ્થિતિના કારણે કોઈ બાળકથી દૂર ન રહે તે જ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ૬૦ દિવસનો હોસ્પિટલ સ્ટે, અત્યાધુનિક સર્જરી અને પ્રી-ઓપરેટિવ તથા પોસ્ટ-ઓપરેટિવ કેર તેમજ યોગ્ય નર્સિંગ સંભાળ જેવી સુવિધાઓ સામાન્ય પરિવારને શૂન્ય ખર્ચે પૂરી પાડવી એ માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની જાહેર આરોગ્ય પ્રણાલી દ્વારા જ શક્ય બની શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની અત્યાધુનિક અને ખર્ચાળ સારવાર જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ વિનામૂલ્યે પૂરી પાડવી એ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની ઉત્કૃષ્ટ સેવાભાવના અને મજબૂત સુદ્રઢતા દર્શાવે છે