ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ પ્રભાગના ૫૩૮ જેલ સહાયકોનો દીક્ષાંત પરેડ તથા શપથ સમારોહ યોજાયો: જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે પાઠવ્યા અભિનંદન

જેલ સહાયકોની ૨૦મી બેચમાં ૬૦ મહિલા અને ૪૭૮ પુરુષ સહિત કુલ ૫૩૮ તાલીમાર્થીઓ સફળતાપૂર્વક પાસ આઉટ થયા

આધુનિક સુરક્ષા ઉપકરણો, ઇ-પ્રિઝન અને નવા ફોજદારી કાયદા સહિત વિવિધ વિષયોની તાલીમ અપાઈ

બંદીવાનોને સુધારીને સમાજમાં પુનઃ સ્થાપિત કરવાની જેલ પોલીસની મહત્ત્વની જવાબદારી: ડૉ. કે.એલ.એન. રાવ

ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ પ્રભાગની તાલીમ સંસ્થા GIPCA ખાતે જેલ સહાયકોની ૨૦મી બેચનો ભવ્ય શપથ સમારોહ અને દીક્ષાંત પરેડ યોજાઈ હતી. આ સમારોહમાં ૬૦ મહિલા અને ૪૭૮ પુરુષ મળી કુલ ૫૩૮ તાલીમાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ ગૌરવપૂર્ણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જેલ અને સુધારાત્મક વહીવટના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે તાલીમાર્થીઓને સંબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા.

ડૉ. કે.એલ.એન. રાવે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, યુનિફોર્મધારી તાલીમાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ સમગ્ર તાલીમ દરમિયાનનો સૌથી મહત્ત્વપૂર્ણ અવસર હોય છે. તેમણે તાલીમાર્થીઓ, તેમના પરિવારો, પ્રશિક્ષકો તેમજ સંસ્થાના પ્રિન્સિપાલને અભિનંદન પાઠવ્યા હતા.

ડીજીપીશ્રીએ સ્પષ્ટ કર્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મુખ્ય ત્રણ સ્તંભો પર કાર્ય કરે છે—(૧) કાયદાના અમલીકરણ માટે પોલીસ, (૨) ન્યાયિક પ્રક્રિયા માટે અદાલતો અને (૩) અદાલતના ચુકાદા બાદ બંદીવાનોની દેખરેખ તથા સુધારણા માટે જેલ પ્રભાગ. જેલ સેવા એ હિંમત, બલિદાન અને સમર્પણનું પ્રતીક છે, જ્યાં ચાર દીવાલો વચ્ચે સજા ભોગવી રહેલા કેદીઓને પશ્ચાતાપ દ્વારા ખરા અર્થમાં સુધારીને સમાજમાં ફરીથી એક સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત કરવાની પવિત્ર જવાબદારી જેલ સ્ટાફની છે.

તાલીમાર્થીઓએ છેલ્લા ૯ મહિના દરમિયાન વિવિધ વિષયો અને આઉટડોર પ્રવૃત્તિઓની સખત તાલીમ લીધી છે, જેમાં મુખ્યત્વે જેલ મેન્યુઅલ, પ્રિઝન એક્ટ, પ્રિઝનર એક્ટ તેમજ પેરોલ/ફર્લોના નિયમો, ભારતીય બંધારણ, માનવ અધિકાર અને RTI, IPC, CrPC તથા નવા અમલમાં આવેલા કાયદાઓ BNS, BNSS અને BSA, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ક્રિમિનોલોજી, આધુનિક સુરક્ષા સાધનો જેમ કે NUD, બોડીવોર્ન કેમેરા, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, બેગેજ સ્કેનર, બોડી સ્કેનર અને બ્રિધલાઇઝરનું સંચાલન ઉપરાંત ઇ-પ્રિઝન એપ્લિકેશન, કોમ્પ્યુટર જ્ઞાન તેમજ પ્રાથમિક સારવાર, યોગ, કરાટે અને સ્પોર્ટ્સ જેવી તાલીમ આપવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે આર્થિક વૈશ્વિકીકરણ અને તકનીકી વિકાસના કારણે ગુનાખોરીના સ્વરૂપો બદલાયા છે. જેલમાં વ્હાઇટ કોલર ક્રાઇમ જેવા નવા પ્રકારના ગુનેગારો પણ આવે છે, જેને નિયંત્રિત કરવા માટે નવી કાર્યપદ્ધતિ અને ઊંડી સમજણ અનિવાર્ય છે. જેલની શિસ્ત, શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની સાથે સાથે આંતરિક સુરક્ષાના તમામ પડકારો સામે સતર્ક રહીને કાયદાનું શાસન સ્થાપિત કરવા તેમણે તમામ નવનિયુક્ત જેલ સહાયકોને આહવાન કર્યું હતું.

 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *