ગુજરાત સરકારની સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા આયોજિત ‘સ્ટેટ લેવલ એવોર્ડ સેરેમની એન્ડ બાયલેટરલ લર્નિંગ – AB PMJAY-MA & ABDM’ કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવી છે.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY-MA) અંતર્ગત સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ક્લેઇમ સબમિશન કરનાર હોસ્પિટલ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલને પ્રથમ પુરસ્કાર એનાયત થયો છે. આ ઉપરાંત, આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ દર્દીઓના ડિજિટલ રજિસ્ટ્રેશન માટેની ‘સ્કેન એન્ડ શેર’ સુવિધાના મહત્તમ રજિસ્ટ્રેશનમાં સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને આ બંને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કમિશનર ઓફ હેલ્થ (શહેરી) તથા PM-JAY અને ABDMના CEO ડૉ. સંધ્યા ભુલ્લર, કમિશનર ઓફ હેલ્થ (ગ્રામ્ય) ડૉ. રતન કંવર ગઢવી ચારણ, તેમજ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને સરકારી તથા GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના વિઝન તેમજ કમિશનર ઓફ હેલ્થ (શહેરી) તથા PM-JAY અને ABDMના CEO ડૉ. સંધ્યા ભુલ્લરના સક્રિય નેતૃત્વ હેઠળ રાજ્યની સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વધુમાં વધુ પાત્ર દર્દીઓને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે, આરોગ્ય સેવાઓની પહોંચ વધે અને ‘સ્કેન એન્ડ શેર’ સહિતની ડિજિટલ હેલ્થ સેવાઓનો વ્યાપ વધે તે માટે રાજ્યસ્તરે સઘન કામગીરી ચાલી રહી છે.
રાજ્યની આરોગ્ય સંસ્થાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા, પરસ્પર જ્ઞાનની આપ-લે અને કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવાના હેતુથી આ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)થી લઈને મેડિકલ કોલેજ, હોસ્પિટલો અને GMERS હોસ્પિટલોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
રાજ્યસ્તરીય સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને પુરસ્કૃત કરાઈ હતી, જેથી રાજ્યના દરેક ખૂણે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય અને ડિજિટલ સુવિધાઓનો લાભ મળી રહે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પાત્રતા ધરાવતા દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ અપાવવા ક્લેઇમ સબમિશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સાથોસાથ, ABDM હેઠળ ‘સ્કેન એન્ડ શેર’ સુવિધાથી દર્દીઓનું ડિજિટલ રજિસ્ટ્રેશન સરળ અને ઝડપી બન્યું છે, જેના પરિણામે OPDમાં દર્દીઓનો સમય બચાવવા અને કાગળ આધારિત પ્રક્રિયા ઘટાડવામાં મદદ મળી રહી છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ બંને પુરસ્કારોનો શ્રેય હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ, વહીવટી વિભાગ અને ડિજિટલ હેલ્થ ટીમના સંયુક્ત પ્રયાસોને આપ્યો હતો.