
મોરબીમાં રૂા. ૫૭.૧૭ કરોડના ખર્ચે પોલીસ વિભાગ માટેરહેણાંક તથા બિન રહેણાંક મકાનોનું નિર્માણ
બી-કક્ષાના ૨૦૦ રહેણાંક મકાનોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં

રાજ્યના નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે દિવસ રાત ખડે પગે સેવારત ગુજરાતની પોલીસ સતત ચિંતા અને તણાવભરી પરિસ્થિતિમાં ફરજ બજાવે છે. ગુજરાત પોલીસની અને તેના પરિવારની ચિંતા રાજ્ય સરકારની માત્ર ફરજ નહી, પરંતુ એક જવાબદારી બની જાય છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પોલીસ અધિકારી / કર્મચારીઓને તણાવયુક્ત ફરજ બજાવી ઘરે પરત ફરે ત્યારે શાંતિ, સુખ અને આરામનો અનુભવ કરી શકે અને તેમનો પરિવાર પણ ગુણવત્તાસભર લાઇફ સ્ટાઇલ જીવ શકે તે માટે તેમના આવાસોના કાર્પેટ એરીયાના ક્ષેત્રફળમાં વધારો કરી વધુ સુવિધાયુક્ત આવાસો પૂરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મોરબી નવો જિલ્લો હોવાથી પોલીસ વિભાગ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રૂા. ૫.૬૮ કરોડના ખર્ચે બી-કક્ષાના ૩૨ આવાસો તથા મકનસર ખાતે બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર્સમાં રૂા. ૩૨ કરોડના ખર્ચે બી-કક્ષાના ૧૬૮ મળી કુલ ૨૦૦ રહેણાંક મકાનોનું બાંધકામ પ્રગતિમાં છે. જે સન- ૨૦૨૧ અંતિમ પૂર્ણ થશે.
નવરચિત મોરબી જિલ્લામાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે રૂા. ૩.૫૪ કરોડના ખર્ચે મકાનનું નિર્માણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં પી.એસ.આઇ. ડ્રાઇવર, મિકેનીક અને ડ્યુટી ઇન્ચાર્જને બેસવા માટેની સુવિધા તથા વાહનોની મરામત, મેન્ટેનન્સ, સ્પેરપાર્ટ્સ સંગ્રહ તેમજ કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, નવરચિત મોરબી જિલ્લામાં મંજુર થયેલ નવ પોલીસ સ્ટેશનો પોતાના મકાનમાં કાર્યરત છે, એકપણ પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં બેસતું નથી. રાજ્યમાં પોલીસ ખાતા માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે સન ૨૦૧૯-૨૦માં રૂા. ૫૩૩.૨૮ કરોડ, સન ૨૦૨૦-૨૧ માટે રૂા. ૪૭૮.૮૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂા. ૮૭૧.૨૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.