
મહિલાઓ વિરૂધ્ધના ગુનાઓના ૨૦૧૯ના નેશનલ ક્રાઇમ રેટ ૬૨.૪%ની સામે ગુજરાતનો રેટ ૨૭.૧% જેટલો નીચો

મહિલાઓ અને બાળકો વિરૂધ્ધના ગુનાઓનું મોનીટરીંગ કરતા ITSSO પોર્ટલના કોમ્પલાયન્સની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને
મહિલા અને સગીરા વિરૂધ્ધના ગુનાઓને સખત હાથે ડામી દેવા રાજ્ય સરકાર મક્કમ હોવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મહિલાઓ સાથે બનતા ગુનામાં આરોપીઓને કાયદાના સકંજામાં લઇ તેમને કડક સજા થાય અને આવા ગુના કરનારા લોકોમાં ડર પેદા થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, સન ૨૦૧૯ના આંકડાઓ મુજબ, મહિલાઓને અસરકર્તા ગુનાઓનો રાષ્ટ્રીય ક્રાઇમ રેટ ૬૨.૪ છે, ત્યારે ગુજરાત ૨૭.૧ જેટલા નીચા રેટ સાથે દેશમાં ૩૦માં સ્થાને છે. દેશમાં જ્યારે આવા ગુનાઓની સંખ્યા ૪,૦૫,૮૬૧ છે, ત્યારે ગુજરાતમાં ફક્ત ૮૭૯૯ ગુના બનવા પામેલ છે. મહિલા વર્ગ તેમની સુરક્ષા માટેના વિવિધ ઉપાયોથી વધુને વધુ જાગૃત બને તે માટે દરેક જિલ્લા/શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આજે સમગ્ર રાજ્યમાં કુલ ૩૯ મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે.
શ્રી જાડેજાએ જણાવ્યું કે, દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. કુલ ૬૫ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના માધ્યમથી પીડિત મહિલાઓને કાયદાકીય સલાહ પૂરી પાડવામાં આવે છે. જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડ હેઠળ કુલ ૨૧ સબ-પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે, જેના માટે કુલ રૂા.૨૨૦.૧૧ કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેમાંની ૬૦% રકમ કેન્દ્ર અને ૪૦% રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. મહિલાઓને તાત્કાલિક ધોરણે જરૂરી સહાય પહોંચાડવાના હેતુથી SHE Team ની રચના કરવામાં આવી છે. ખાનગી વેશમાં રહી મહિલા પોલીસ દ્વારા કોઇ મહિલાઓને અસામાજિક તત્વો દ્વારા છેડતી કે હેરાનગતી ન થાય તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, અભયમ મહિલા હેલ્પ લાઇન –૧૮૧ મહિલા સુરક્ષામાં અભૂતપૂર્વ પગલું સાબિત થયું છે. જાન્યુઆરીના અંત સુધીમાં આ હેલ્પ લાઇન પર થયેલા કુલ કોલ ની સંખ્યા ૬૭ લાખ ૪૫ હજારથી પણ વધુ છે. ટેકનોલોજીના માધ્યમથી આ જ સેવાનો વ્યાપ વધારીને સરકારે ૧૮૧ અભયમ મોબાઇલ એપ્લીકેશન ડેવલપ કરી છે. જાન્યુઆરીના અંત સુધીમાં ૯૬,૫૦૦ થી વધુ મહિલાઓએ આ એપ ડાઉનલોડ કરી છે. જે તેની ઉપયોગિતા અને લોકપ્રિયતાનો બોલતો પૂરાવો છે.
શ્રી જાડેજાએ જણાવ્યું કે, પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શ્યુઅલ ઓફેન્સ) ના કાયદા હેઠળ નોંધાતા કેસોમાં નિયત સમય મર્યાદામાં પોલીસ તપાસની કામગીરી થાય તે માટે ભારત સરકારે ITSSO (ઇન્વેસ્ટીગેશન ટ્રેકીંગ સિસ્ટમ ફોર સેક્શ્યુઅલ ઓફેન્સીસ)ની રચના કરી છે. ગુજરાત તેના કોમ્પલાયન્સમાં દેશમાં અગ્રેસર છે. આ કામગીરી માટે ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા નિયમિત મોનીટરીંગ કરવામાં આવે છે, જેના કારણે સન – ૨૦૨૦ સુધીનો એકપણ કેસ ITSSO ના ધોરણો મુજબના ઇન્વેસ્ટીગેશન માટે પેન્ડીંગ નથી. સન – ૨૦૨૧માં નોંધાયેલ ફક્ત ૧૯ કેસોમાં કાર્યવાહી ચાલુ છે. પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં ઝડપી કાર્યવાહી થાય તે માટે સ્પેશલ કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે.
મહિલાઓની સુરક્ષા માટે કાયદાઓની જોગવાઇઓ ખૂબ કડક બનાવવામાં આવી હોવાના ઉલ્લેખ કરતા શ્રી જાડેજાએ જણાવ્યું કે, આઇ.પી.સી.માં સુધારો કરી નવી કલમો દાખલ કરવામાં આવેલ છે. જેમાં મહિલાઓ સામેના તમામ ગંભીર પ્રકારના ગુનાઓની સજાની જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને આજીવન કેદ સુધીની જોગવાઇ કરવામાં આવેલ છે., જઘન્ય પ્રકારના ગુનેગારોને મૃત્યુદંડ કરી શકાય ત્યાં સુધીની જોગવાઇ કરી કાયદાની ધાર તેજ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરીને મહિલાઓ સામેના ગુના તથા પોક્સોના ગુનાઓમાં પાસાનો કાયદો પણ લાગુ પડે તેવી જોગવાઇઓ દાખલ કરી છે.
શ્રી જાડેજાએ જણાવ્યું કે, મોટા ભાગે પ્રેમ પ્રકરણના કારણે ભાગી જવાના કિસ્સા બનવા પામેલ છે. એક પણ કિસ્સો એવો નથી કે જેમાં સગીરા કે મહિલાનું શારીરિક શોષણ કરવાના ઇરાદાથી, તેને વેચી દેવાના ઇરાદાથી કે સામૂહિક બળાત્કાર જેવા ઇરાદાથી ભગાડી જવાનો કિસ્સો બન્યો હોય. સન- ૨૦૧૯માં રાજ્યમાં મહિલા વિરૂધ્ધના કુલ ૮,૭૯૯ ગુના નોંધાયા છે. જેમાં અપહરણના ૧,૮૧૩ ગુના એટલે કે ફક્ત ૨.૭ % ગુના નોંધાયેલ છે. જયારે છોટાઉદેપુર જીલ્લામાં ઉપરોકત સરખાણીએ માત્ર ૦.૪% ગુના નોંધાયેલ છે. સન- ૨૦૧૯માં મહિલા વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યનો ક્રાઇમ રેટ ૨૭.૧ રહેલ છે. જ્યારે છોટા ઉદેપુરનો ક્રાઇમ રેટ ફક્ત ૫.૧ છે.
શ્રી જાડેજાએ જણાવ્યું કે, પોક્સોના કેસોમાં પોલીસ તપાસ કે તેની પાછળની તમામ કાર્યવાહીમાં ક્યાંય વિલંબ ન થાય, સરકારના તમામ વિવિધ વિભાગો અને એજન્સીઓ તેને પ્રાધાન્ય આપીને કામ કરે તે રાજ્ય સરકારે સુનિશ્ચત કર્યું છે. ભારત સરકારે મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનાઓનું સતત મોનીટરીંગ કરવાના હેતુથી ઓન-લાઇન પોર્ટલ વિકસાવેલ છે. જે “Investigation Tracking System for Sexual Offences” (ITSSO) પોર્ટલ તરીકે ઓળખાય છે. આ પોર્ટલના કોમ્પલાયન્સની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. આ પોર્ટલ તા.૧૯/૦૨/૨૦૧૯ ના રોજ કાર્યરત કરવામાં આવેલ છે.
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકો બનતા અત્યાચાર અને બળાત્કારના બનતા બનાવોમાં તપાસની કામગીરી સમયસર થાય તથા ઝડપથી આવે તે માટે અસરકારક મોનીટરીંગ માટે ગૃહ વિભાગ ખાતે ખાસ કમિટી બનાવવામાં આવેલ છે.આ કમિટી દ્વારા આ પ્રકારના કેસોમાં તપાસની તથા અદાલતમાં કામ ચલાવવાની (પ્રોસીક્યુશન) કામગીરી તથા તેને આનુષાંગિક બાબતો ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
સગીર બાળાના બનતા બળાત્કારના બનાવોમાં યોગ્ય તપાસ થાય અને સમયસર આરોપી પકડી સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ થાય એ માટે કમિટી દ્વારા ૪૫ દિવસથી ઉપરના પેન્ડીંગ ગુનાઓની તપાસ જીલ્લામાં પોલીસ અધિક્ષક દ્વારા અને શહેરમાં નાયબ પોલીસ કમિશ્નર મારફતે કરવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર કક્ષાએથી જરૂરી આદેશ કરવામાં આવેલ છે. પકડવાના બાકી હોય તેવા આરોપીઓ માટે ડ્રાઇવનું આયોજન હાલમાં ચાલુ હોવાનું શ્રી જાડેજાએ જણાવ્યું હતું.