સૂરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયેલાં મહારાજા અગ્રસેન જયંતી મહોત્સવમાં રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સૂરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયેલાં મહારાજા અગ્રસેન જયંતી મહોત્સવના શુભારંભ અવસરે જણાવ્યુ છે કે, સમાજના અન્ય લોકોના સુખમાં પોતાનું સુખ સમાયેલું છે એવું માનનારા માનવીને જ ખરા અર્થમાં મનુષ્ય કહી શકાય. તેમણે જણાવ્યુ હતું કે, અન્યના સુખ માટે જીવન જીવવું એ જ માનવધર્મનું લક્ષ્ય છે. રાજ્યપાલશ્રીએ મહારાજા અગ્રસેને સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને પારિવારિક ઉત્કર્ષ માટે જે કાર્યો કર્યા હતા એ આજે પણ એટલાં જ પ્રસ્તુત છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, મહારાજા અગ્રસેને પાંચ હજાર વર્ષ પૂર્વે સમાજવાદને ખરા અર્થમાં વાસ્તવિકરૂપ આપીને રાજ્યમાં નવાગંતૂકને દરેક વ્યક્તિ એક ઇંટ અને એક રૂપિયો અર્પણ કરે તેવો નિયમ તેમણે રાજ્યમાં અમલમાં મૂક્યો હતો જેથી ઇંટની મદદથી તેને વસવાટ માટે આશ્રય મળે અને એક રૂપિયાની મદદથી વ્યવસાય માટે ધન મળી રહેતું. આ વ્યવસ્થા આજે પણ સમાજમાં અન્ય લોકોને ખરા અર્થમાં મદદરૂપ બનવાની પ્રેરણા આપે છે તેમ પણ રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ. આજે સમાજમાં લોકોના મન અને વિચારો સંકુચિત બનતા જાય છે તે તરફ અંગૂલિનિર્દેશ કરતા રાજ્યપાલશ્રીએ સશક્ત સમાજના નિર્માણ માટે લોકોએ વ્યકિતનિષ્ઠ નહીં પરંતુ સમષ્ટિનિષ્ઠ બનવા પુરુષાર્થ કરવો જોઇએ તેમ પણ જણાવ્યુ હતુ. તેમણે અગ્રવાલ સમાજ દ્વારા ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યસેવા જેવા ક્ષેત્રોમાં થઇ રહેલાં સમાજવિકાસના કાર્યોની પણ નોંધ લીધી હતી અને મહારાજા અગ્રસેનની 5144 જન્મ જયંતી અવસર ઉપર સૌને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુભાષ અગ્રવાલ, કોષાધ્યક્ષશ્રી રાહુલ અગ્રવાલ, પ્રમોદ પોદ્દાર તેમજ યુવા અગ્રણી નિશિથ બેડિયાએ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી જ્યારે આભાર દર્શન ઉપાધ્યક્ષશ્રી સંજય સરાવગીએ કર્યું હતું.

