
સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી સાથેના દુર્લભ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
અંકલેશ્વરનું એ સૌભાગ્ય રહ્યું છે કે 1930માં રાષ્ટ્રપિતા ગાંધીજીની આગેવાનીમાં યોજાયેલી દાંડીયાત્રા આ ભૂમિમાંથી પસાર થઇ હતી અને એ પ્રકારે અંકલેશ્વર આઝાદીની ચળવળનો એક ભાગ પણ બન્યું છે, ત્યારે આનંદ સાથે ગર્વની વાત છે કે વર્તમાન સમયમાં 2021માં પ્રધાનમંત્રીશ્રી દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે શરૂ કરેલ દાંડીયાત્રા ફરી એક વખત અહીં આવી રહી છે. અને આ ઉજવણીનાના અનુસંધાને સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શનનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી આપતું અને તેમના દુર્લભ કહી શકાય તેવા ફોટોગ્રાફ્સ નિહાળવાની તક અંકલેશ્વરના નગરજનોને મળવાની છે તે વાતનો વિશેષ આનંદ છે. અંકલેશ્વરના જલારામ મંદિર હોલ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ચિત્ર પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિનયકુમાર વસાવાએ આ વાત કહી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદ અને ગુજરાત રાજ્ય માહિતી ખાતુ, ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે અંકલેશ્વરના જલારામ મંદિરના હોલ ખાતે આયોજીત ચિત્ર પ્રદર્શનને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી વિનયકુમાર વસાવાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉદધાટન પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઇ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સંદિપભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઇ પટેલ, મામલતદારશ્રી એચ.જી.બેલડીયા, ભારત સરકારના યોજના પ્રકાશન વિભાગના એડિટર જ્હાનવીબેન પટેલ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી, પ્રદર્શન ઇન્ચાર્જ અધિકારી જીતેન્દ્ર યાદવ તેમજ સુરત ફિલ્ડ આઉટરીચ બ્યુરોના અધિકારી કે. આર. મહેશ્વરી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ વિષયને લઇને તૈયાર કરેલા આ ચિત્ર પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો જેવાં કે અસહકારનું આંદોલન, સવિનય કાનુનભંગ, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન વગેરે આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગ લેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન દેનાર એ સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રિય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે. દેશભરમાં 75 અઠવાડીયા સુધી ચાલનાર આઝીદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં દેશનો પ્રત્યેક નાગરિક જોડાય અને આ મહોત્સવ જન-જનનો મહોત્સવ બને તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આવનારા દિવસોમાં પણ થવાનું છે. જેના ભાગરૂપે જ આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. વધુમાં તેમણે અંકલેશ્વર શહેર સહિત આસપાસના ગામોના વધુને વધુ લોકો આ ચિત્ર પ્રદર્શનને નિહાળે તે માટે તેનો બહોળો પ્રચાર કરવા મીડિયાકર્મીઓને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના જલારામ મંદિરના હોલમાં આયોજીત આ ચિત્ર પ્રદર્શન 25 થી 27 માર્ચ, ત્રણ દિવસ સુધી સવારે 10.30 થી સાંજના 06.00 કલાક સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લુ રાખવામાં આવશે.

