
વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, જનરેશન પ્લાન્ટ્સ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિતની સહાય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 સામેની જંગમાં તાકીદે પહોંચાડી
ભારતમાં કુલ રસીકરણ કવરેજ 17 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચી ગયું
18થી 44 વર્ષની વયજૂથના 20.31 લાખ કરતાં વધારે લાભાર્થીઓનું રસીકરણ થયું
છેલ્લા 10 દિવસ દૈનિક ધોરણે સરેરાશ સાજા થનારા દર્દીઓનો આંકડો 3.28 લાખથી વધારે નોંધાયો
મહામારી સામેની જંગમાં સહાયતા માટે અત્યાર સુધીમાં ભારતને વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા 6,738 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 16 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,668 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે જેથી તેમની માળખાકીય સુવિધામાં વધારો થઇ શકે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઝડપથી પહોંચડવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક કસ્ટમ મંજૂરી અને હવાઇ તેમજ રોડ માર્ગેથી જથ્થો પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરી છે.
અન્ય એક નોંધનીય પ્રગતિરૂપે, ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનું દેશભરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી આ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કુલ રસીના ડોઝનો આંકડો 17 કરોડના સીમાચિહ્ન સુધી પહોંચી ગયો છે.
ભારત કોવિડની રસીના 17 કરોડ ડોઝ સૌથી ઝડપી ગતિએ આપનારો દેશ બની ગયો છે. ચીનને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં 119 દિવસ જ્યારે USAને 115 દિવસ થયા હતા.