અક્ષય તૃતીયાના પાવન અવસરે રથયાત્રાની પ્રથમ પૂજન વિધિ-ચંદન પૂજા કરાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
ભગવાન જગન્નાથ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે: આજે ચંદન વિધી કરીને રાજ્યના નાગરીકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ નો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગેનો જનહિત લક્ષી નિર્ણય લેવામાં આવશે
કોરોના મહામારીમાં રસીકરણ અમોધ શસ્ત્ર સાબિત થઇ રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિરના પ્રાંગણથી ઇસનપુર વોર્ડના વૃદ્ધ, દિવ્યાંગ,અશક્ત વ્યક્તિઓને વિનામૂલ્યે રસીકરણ કરાવવા માટે એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો .ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ભગવાન જગન્નાથ સૌની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક છે.ત્યારે આજે ચંદન પૂજા કરીને રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય અને સુરક્ષાની મનોકામના કરી છે.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , રથયાત્રાના ત્રણ તબક્કા હોય છે.જેમાંથી પ્રથમ તબક્કો એટલે ચંદન પૂજા બીજો જળ યાત્રા અને ત્રીજા તબક્કામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન થાય છે.૧૪૪ મી રથયાત્રાની પ્રથમ પૂજન વિધિ – ચંદન પૂજા કરી મંત્રીશ્રીએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ મેળવીને સમગ્ર દેશને કોરોના માંથી મુક્ત કરાવવા પ્રાર્થના કરી હતી.આજરોજ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ દ્વારા રથોની પૂજા કરવામાં આવી હતી. પૂજા કરીને રથોના સમારકામ માટેની મંજૂરી આપવામાં આવી છે..ગત વર્ષે કોરોનાની ભયાવહ સ્થિતિના કારણે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગેનો જનહિત લક્ષી નિર્ણય કરવામાં આવશે.
કોરોના રાજ્યવ્યાપી વ્યાપક સંક્રમણના કારણે તહેવારો, ઉત્સવોની ઉજવણી ટાળવા માટે ધાર્મિક આગેવાનોને વિનંતી કરી હતી.જેમનો સહયોગથી સંક્રમણને મહદંશે અટકાવવા સરકાર સફળ રહી છે તેમ ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઈસનપુરવોર્ડના વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગજનોને સરળતાથી નિશુલ્ક રસીકરણની ઉપલબ્ધતા કરાવવાના સેવાભાવ સાથે દેશના ગૃહ રાજ્યમંત્રીશ્રી અમિત શાહની પ્રેરણાથી ઇસનપુર વોર્ડના કાઉન્સિલર શ્રી ગૌતમ પટેના સહયોગ દ્વારા જગન્નાથ મંદિરના પ્રાંગણથી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો .આ વેળાએ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કર્ણાવતી મહાનગર પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, દંડક શ્રી અરુણ રાજપુત સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




