બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની દર્શાવી તત્પરતા“પ્લાઝ મા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે” -ડો.ભાવેશ પટેલ
નવસારી/શનિવારઃ-કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓમાં પ્લાઝમા થેરાપી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે, ત્યારે કોરોના વાયરસથી સ્વસ્થ બનેલ અનેક લોકો પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે. આવા જ એક ડોક્ટર છે ભાવેશ પટેલ. ડો.ભાવેશ પટેલ જિલ્લા પંચાયત ખાતે કોવિડ કન્ટ્રોલ કમાન્ડમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. તેમણે પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરવાની સાથે બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની તત્પરતા દર્શાવી છે. આમ, આ માહામારીમાં અન્યોની જીવનરક્ષાના સેવાયજ્ઞમાં ડો. ભાવેશ પટેલ જેવા અનેક કર્મયોગીઓ યથાયોગ્ય આહુતિ આપી રહ્યા છે.
પોતાના ઘરે જ સાત દિવસની સારવાર મેળવી સ્વસ્થ બનેલા ડો. ભાવેશ પટેલ કહે છે કે, ગત સપ્ટેમ્બરમાં મારો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. પોતે હોમ કોરોન્ટાઇન થઇ પોતે જાતે પોતાની સારવાર કરી, એક અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ બન્યો હતો. સાજા થયા બાદ રાજય સરકારની સેવામાં જોડાઇ ગયેલા ડોકટર ભાવેશ પટેલે પ્લાઝમા ડોનેટ કરવાનું નક્કી કરી તેમણે ૧૬ એપ્રિલ ના રોજ પ્લાઝમા ડોનેટ કરી પોતાનો ડોકટર ધર્મ નિભાવ્યો.
પ્લાઝમા ડોનેટ કરવાને વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ ગણાવતા ડો. પટેલ કહે છે કે, એક ડોક્ટર તરીકે પ્લાઝમા ડોનેશનની મહત્તાથી હું ખૂબ સારી રીતે પરિચિત છું. કોરોના વાયરસ દર્દીઓના ફેફસાને અસર કરે છે ત્યારે તેમાંથી રિકવરી મેળવવા માટે પ્લાઝમા થેરાપી ખૂબ અસરકારક પુરવાર થઈ રહી છે. મારા શરીરમાં વિકસિત થયેલા એન્ટીબોડી અન્યોની જીવનરક્ષા માટે ઉપયોગી શઈ શકે તેનાથી ઉત્તમ શું હોય? આ સાથે તેમણે યુવાનો અને શિક્ષિત લોકોને પ્લાઝમા ડોનેટ કરવા માટે અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવાત ડો.ભાવેશ પટેલ કહે છે કે, કોરોના વાયરસથી સ્વસ્થ બનેલા લોકો ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તેમજ પ્લાઝમા ડોનર માટે સેપરેટ કીટનો ઉપયોગ કરવામા આવે છે જેથી ઈન્ફેક્શનનો કે અન્ય કોઈ ભય રહેતો નથી
વધુમાં ડો.ભાવેશ પટેલે વેક્સિનના બે ડોઝ લીધા છે અને સત્વરે વેક્સિન લેવા જણાવે છે. તેઓ જણાવે છે કે, ‘‘ મેં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા છે, આપ સૌને મારી વિનંતી છે કે, ૪૫ થી વધુ ઉંમરના તમામ લોકો જેમને વેક્સિન લીધી ન હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે. કોરોનાના બીજા વેવથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ સામે વેક્સિન જ એક કારગર ઉપાય છે. વેક્સિન મુકયા બાદ પણ કોરોના થાય તો પણ વ્યક્તિ તેની ગંભીર અસરોથી બચી શકે છે. દવાખાને દાખલ થવાની પણ જરૂર નથી પડતી. આ વેક્સિનથી અનેક લોકોએ પોતાને સુરક્ષિત કર્યા છે. વેક્સિન ન લઇને જીવનને જોખમમાં ન મુકવુ જોઇએ. કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિન જ સૌથી અસરકારક ઉપાય છે.’’

