ઈસનપુર અને વટવા વોર્ડ વિસ્તારના રહીશોની પાણીની માંગ સંતોષાશે- હાથીજણ વિસ્તારમાં ઘર આંગણે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે,આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ જનસુખાકારી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે શહેરી અને ગ્રામ્ય દરેક નાગરિકને આરોગ્યસુખાકારી સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. મંત્રીશ્રીએ આજે અમદાવાદ શહેરના દક્ષિણ વોર્ડમાં સ્મૃતિ મંદિર પાસે અગાઉથી કાર્યરત અન્ડર ગ્રાઉન્ડ ટાંકીની ૬૯.૪૬ લાખ કેપેસીટી વધારી અને ૨૪ લાખ લીટર ની વધારાની ઓવરહેડ ટાંકીનું લોકાર્પણ કર્યુ હતું. આ નવીન ટાંકીના લોકાર્પણ થી ઘોડાસર અને વટવા વિસ્તારના રહેવાસીઓની પાણીની માંગ સંતોષાઇ છે. સાથે સાથે તેના પગલે આ પાણીનો વિવિધ કાર્યોમાં ઉપયોગ થઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવીન ટાંકીના કાર્યરત થવાથી ટાંકીના સ્મૃતિ મંદિરથી ભક્તિનગર થી પી.ડી. પંડ્યા કોલેજ રોડની આસપાસનો વિસ્તાર તથા ભક્તિનગર થી મુરલીધર સોસાયટી સુધીના કેનાલ વિસ્તારના આશરે 1.25 ચો.કિ.મી. વિસ્તારના લોકોને ફાયદો થનાર છે. સ્મૃતિ મંદિર થી ભક્તિનગર થી પી.ડી. પંડ્યા કોલેજ રોડની આસપાસના (રહેણાંક, શૈક્ષણીક તથા કોમર્શીયલ) વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળતુ હતુ જે આ પાણીની ટાંકી થકી પુરતા પ્રેશરથી પાણીનો પુરવઠો ઉપલબ્ધ બનશે. અંદાજે 1189.87 લાખ ના ખર્ચે નિર્માણ પામેલ સ્મૃતિ મંદિર સ્થિત ટાંકીની કેપેસીટી વધારવામાંથી 73 સોસાયટીમાં રહેતા 62 હજારથી વધુ નગરજનો આનાથી લાભાન્વિત થનાર છે.
મંત્રીશ્રીએ આજે રામોલ-હાથીજણ વોર્ડ સ્થિત જામફવાળી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર નું પણ લોકાર્પણ કર્યું હતું. અંદાજે ૮૫ લાખના ખર્ચે નિર્માણ આ અર્બન હેલ્થ સેન્ટર ૧.૨૫ લાખ નગરજનોની આરોગ્ય સુખાકારી માં વધારો કરશે.
અમદાવાદ શહેરના રામોલ અને હાથીજણ વોર્ડના નગરજનો માટે આરોગ્ય લક્ષી સુવિધાઓ સરળ બનાવવા હેતુસર અર્બન હેલ્થ સેન્ટર કરાવવામાં આવ્યું હોવાનું શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.
આ અર્બન હેલ્થ સેન્ટર રામોલ હાથીજન વોર્ડના વિવિધ નગરજનો , સોસાયટી વિસ્તાર તેમજ રામોલ ગામ વિસ્તાર અને શ્રમિકો , ગરીબજનો માટે આ અર્બન હેલ્થ સેન્ટર આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા આ અર્બન હેલ્થ સેન્ટર કારગર સાબિત થશે. ૫૦૭.૨૭ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ નવીન અર્બન હેલ્થ સેન્ટર ગાયનેક ઓ.પી.ડી.,બાળરોગ માટે અલાયદો રૂમ, ડ્રગ સ્ટોર, લેબોરેટરી, ડોટ્સ રૂમ, એ.આઇ.વી. કાઉન્સેલીંગ રૂમ, વેક્સીનેશન રૂમ , લેડીસ અને જેન્ટસ અલાયદા શૌચાલય જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ બંને પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ વિસ્તારના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, અમદાવાદ મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને ઇસનપુર-વટવા વોર્ડ ના કાઉન્સિલર સર્વે શ્રી ઉપસ્થિત રહ્યા હતા.











