ગીર-સોમનાથ જિલ્લામાં થયેલી નુકસાની અને રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા

ખેતીમાં થયેલી નુકશાની અંગે સર્વેની નકકર અને સચોટ કામગીરી અંગે અભ્યાસુ માર્ગદર્શન આપતા અધિક સચિવશ્રી

ગીર-સોમનાથ જિલ્લાના વીજ પુનઃસ્થાપન માટે બાકી રહેલા ગામોમાં વહેલાસર કામગીરી પૂર્ણ કરવા અધિક સચિવશ્રીની તાકીદ              

ગીર-સોમનાથ તા. –૨૫, તાઉ-તે વાવાઝોડા સંદર્ભે કલેક્ટર કચેરી, ઇણાજ, ગીર સોમનાથ ખાતે આજે અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રાએ ગીર-સોમનાથ જિલ્લામાં થયેલી નુકસાની અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી રાહત બચાવની કામગીરીની અભ્યાસુ સમીક્ષા કરી પ્રભાવિત વિસ્તારોમાં બાકી રહેતી જનસેવાની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી.

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રાએ ગીર સોમનાથ જિલ્લાના કલેકટરશ્રી અજય પ્રકાશ તેમજ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખટાલે  તેમજ પીજીવીસીએલ ખેતી, બાગાયત, માર્ગ અને મકાન વિભાગ તેમજ રેવન્યુ અને પંચાયત, બીએસએનએલ, પાણી પુરવઠા બોર્ડ સહિત મુખ્ય લાઈન ડિપાર્ટમેન્ટના દરેક અધિકારી પાસેથી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવીને રાહત બચાવની કામગીરી અને લોકોને તત્કાલ રાહત પહોંચાડવા માટે અને સહાય આપવા માટે કરવામાં આવેલી કામગીરીની માહિતી જાણી આ કામગીરીને વધુ સચોટ તેમજ ઝડપી બનાવવા માટે દરેક મુદ્દે ચર્ચા કરી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

અધિક મુખ્ય સચિવશ્રીએ પીજીવીસીએલના વરિષ્ઠ અધિકારીશ્રી સાથે વીડિયો કોન્ફરન્સથી પણ ચર્ચા કરી જિલ્લાના પીજીવીસીએલના અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો તાગ મેળવી  ઉના અને ગીરગઢડા તાલુકાના બાકી રહેલા ગામોમાં વહેલાસર વીજપુરવઠો પુન: સ્થાપિત થાય તે માટે તાકીદ કરી હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં સ્થળાંતરિત કરાયેલા ૭૦૨૭ વ્યક્તિઓને કેશડોલ સહાય ચૂકવી દેવામાં આવેલ છે. મકાનોની તેમજ ખેતી અને બાગાયતમા થયેલ નુકશાની અંગે ૭૦% સર્વે પૂર્ણ થયેલ છે. જિલ્લામાં વાવાઝોડાને લીધે ૧૪ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. મૃતકોના વારસદારોને રાજ્ય સરકાર તરફથી નિયત કરાયેલ રૂા. ૪ લાખની સહાય રકમ મંજૂર કરીને ચુકવણી કરવામાં આવી રહી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં વીજપુરવઠો હજુ ચાલુ થયો નથી ત્યાં ડીજીસેટ મૂકીને તેમજ ટેન્કરો દ્વારા પીવાનું પાણી લોકોને પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ગીરગઢડા અને ઉના તાલુકામાં મોબાઇલ નેટવર્ક માટે તત્કાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ સૂચના આપી હતી.

ખેતી બાગાયત મકાનો સહિતના નુકસાન અંગેના સર્વેમાં નિયમોનુસાર કામગીરી થાય તેમજ સચોટ અને આધારભૂત સર્વે થાય તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને ડેટાબેઝ તૈયાર કરવા જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *