વલસાડઃ તા.૨૮: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી વારોલી નદીના કિનારે રૂા.૩૫.૨૮ લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેક્ષન વોલ કમ જેટી ના કામનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આ જેટી બનવાથી આ વિસ્તારના માછીમારોનો માલ અહીં જ ખાલી થવાથી મુંબઇના ભાઉચા ધક્કા સુધી જવાની જરૂર પડશે નહીં. જેના થકી આ વિસ્તારમાં મત્સ્યોદ્યોગનો વધુ વિકાસ થશે અને માછીમારો આત્મનિર્ભર બનશે. આ જેટીના નિર્માણની સાથે અત્રે કોલ્ડ સ્ટોરેજ સહિત આનુષાંગિક સેવાઓનો સમાવેશ કરવાનું આયોજન પણ ભવિષ્યમાં કરાશે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને વરેલી આ સરકારના વિકાસના કાર્યોમાં પ્રજાના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. વિધવા પેન્શનની ઝુંબેશ, આવાસ યોજના હેઠળ જરૂરીયાતમંદોને ઘર આપવાની યોજના સહિત વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. સમાજના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે, જે ધ્યાને રાખી સમાજ અગ્રણીઓને સમાજના નબળા વર્ગના ઉત્થાનમાં સહયોગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.દમણગંગા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી.સી.પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કામગીરી ની રૂપરેખા આપી હતી. આ જેટી કમ પ્રોટેકશન વોલ આશરે ૯૦ મીટરની લંબાઈની બનાવાશે, તેમજ તેની સાથે માછીમારો સરળતાથી અવરજવર કરી શકે તે માટે અંદાજે પાંચ મીટર જેટલો પહોળો રસ્તો બનાવાનું આયોજન હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.અગ્રણી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ જેટીનું નિર્માણ વિસ્તારના માછીમારો માટે ખુબજ ઉપયોગી બની રહેશે.આ અવસરે નારગોલ સરપંચ કાંતિભાઈ, અગ્રણી મુકેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રામદાસભાઈ વરઠા, શૈલેષભાઇ, આજુબાજુના ગામોના સરપંચો, બોટ એસોસિએશનના સભ્યો, ગ્રામજનો હાજર રહ્યા હતા.



