કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કચ્છના રામબાગમાં રાજ્યની સરકારી હોસ્પિટલ ખાતે તાંબાની પાઇપિંગના નેટવર્ક સાથેના મેડિકલ ઓક્સિજન જનરેટર યુનિટનું ઉદ્ઘાટન કર્યું

આ પ્લાન્ટ હોસ્પિટલમાં તમામ બેડ પર અને વૉર્ડમાં ઓક્સિજનનો સરળતાથી એકધારો પુરવઠો સુનિશ્ચિત કરશે: શ્રી માંડવિયા

કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે કચ્છના રામબાગ ખાતે આવેલી રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલમાં તાંબાના પાઇપિંગ નેટવર્ક સાથે તૈયાર કરવામાં આવેલા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની સંભાળ લેવા માટે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા 50 લાખના અંદાજિત ખર્ચે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સંબોધન આપતા શ્રી માંડવિયાએ એક જ મહિનામાં બીજો ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા બદલ પોર્ટની ટીમ અને તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટથી ઓક્સિજન રીફિલ કરવાનો વેગ વધશે અને તેના કારણે હોસ્પિટલમાં તમામ બેડ સુધી અને વૉર્ડમાં સરળતાથી અને એકધારો ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, તમામ બંદરો કોવિડ-19 સામેની જંગમાં તેમની CSR પ્રવૃત્તિઓ દ્વારા યોગદાન આપી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, બંદરોની આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને બહેતર સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી બંદરોની છે.

ગાંધીધામ ખાતે રામબાગમાં સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવેલા ઓક્સિજન જનરેટર એકમની ક્ષમતા 20,000 લીટર/કલાકની છે, જે 5-6 બારનું પ્રેશર ધરાવે છે અને તેમાંથી જનરેટ થયેલા ઓક્સિજનનો ઉપયોગ કોવિડના દર્દીઓની સારવાર માટે તેમજ અન્ય દર્દીઓ માટે પણ થઇ શકે છે. આ સિસ્ટમના કારણે દર્દીઓની સારવાર માટે વારંવાર ઓક્સિજન રીફિલિંગ કરવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થશે અને હોસ્પિટલમાં સરળતાથી તેમજ સતત ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *