મુખ્ય સચિવશ્રીએ વિડિયો કોન્ફરન્સથી આપ્યું માર્ગદર્શન….
રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંવાદ કર્યો હતો. તેમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, નિવાસી અધિક કલેકટર શ્રી ડી.આર.પટેલ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વિષયક તકેદારીના ભાગરૂપે લોકોને ૫૬ પ્રકારની સેવાઓ એક જ સ્થળે અને એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવતા સેવા સેતુનું હવે પછીના તબક્કામાં ડિજિટલ સ્વરૂપે આયોજન કરવાની રૂપરેખા અને વિગતવાર માર્ગદર્શન મુખ્ય સચિવશ્રીએ આપ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકારે ખરીફ મોસમમાં વિવિધ ધાન્ય અને ખેત પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે. મુખ્ય સચિવશ્રીએ મહત્તમ ખેડૂતો તેનો લાભ લઈ શકે એવી અસરકારક વ્યવસ્થા ગોઠવવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ડિજિટલ સેવાસેતુની વિભાવના સમજીને સચોટ અને સરળ વ્યવસ્થાઓ ગોઠવવાની અને ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થાની જાણકારી મોટી સંખ્યામાં ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો તેનો સહેલાઇથી લાભ લઈ શકે તે માટે ઓનલાઈન નોંધણી સહિત વિવિધ વ્યવસ્થાઓ સમુચિત રીતે ગોઠવવાના દિશા નિર્દેશો આપ્યાં હતા.


