વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વાહકજન્ય રોગ જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા જેવી બીમારીઓનો ફેલાવો ન થાય તે માટે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ વિવિધ રોગ અટકાયતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં મચ્છરથી ફેલાતી બીમારીઓ અટકાવવા કોરોનાની હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરીની સાથે જ પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી છે. સર્વેલન્સ દરમિયાન તાવના કેસ મળે તો તેઓના લોહીનો નમૂનો લઈ તાત્કાલિક સ્થળ ઉપર તપાસ કરી વાહકજન્ય બીમારીઓ ના ફેલાય તે માટે નિદાન કરી સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ધન્વંતરી રથની કામગીરીમાં પણ તાવના તમામ કેસોના લોહીના નમૂના લઈ તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં મચ્છરનો ઉપદ્રવ વધે નહીં તે માટે વિવિધ ગામો તથા નગરપાલિકાની હદમાં આવેલા જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ છોડવામાં આવી રહી છે. હાલમાં જિલ્લાના ૫૭૭ જળાશયો પૈકી ૪૮૯ જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં બાકીના જળાશયોમાં ઉક્ત કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક પોરાભક્ષક માછલી (ગમ્બુશિયા ફિશ) એક દિવસમાં આશરે ૨૦૦-૨૫૦ પોરાનું ભક્ષણ કરે છે. જે મચ્છરની ઉત્પતિ અટકાવવાનો/પ્રદુષણ મુક્ત કુદરતી ઉપાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવતના જણાવ્યા મુજબ, વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આ વર્ષે ગત વર્ષની સાપેક્ષમાં મલેરિયા/ડેન્ગ્યુ/ચિકન ગુનિયા જેવા કે વાહકજન્ય રોગનો ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના અટકાયતી કામગીરીની સાથે-સાથે વાહકજન્ય રોગ પણ ન ફેલાય તે મુજબના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા નાગરિકોને ગામમાં સ્વચ્છતા જાળવવા, ખૂલ્લા વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા, ઘરના પાણીના પાત્રો હવાચુસ્ત બંધ કરવા, ચોખ્ખા અને સ્થિર પાણી ભરાતાં હોય તેવી જગ્યાઓ જેવી કે ફૂલદાની, પાણીની ટાંકી, કુલર, ફ્રિજની પાછળની ટ્રે વગેરેને અઠવાડિયે એક વાર ચેક કરવા તથા તાવ કે રોગના અન્ય ચિહ્નો હોય તો ગામના આશા અને આરોગ્ય કાર્યકર અથવા તાત્કાલિક નજીકના સરકારી દવાખાને નિદાન અને સારવાર માટે જવા અપીલ કરવામાં આવી છે.
