
ધોલાઇ બંદર ખાતે માછીમાર ઉત્કર્ષ સ્નેહમિલન કાર્યક્રમ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
ધોલાઇ બંદરની મુલાકાત કરતા મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા
નવસારી/રવિવારઃ- નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઇ બંદર ખાતે આજરોજ પ્રવાસન, મત્સ્યદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના પ્રેરક ઉપસ્થિતિમાં માછીમાર ઉત્કર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, પૂર્વમંત્રીશ્રી કરશનભાઇ પટેલ જોડાયા હતા.
મંત્રીશ્રી જવહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, માછીમારોની લાગણી અને માંગણી સંતોષાય તે પ્રકારનું કાર્ય રાજય સરકાર કરી રહી છે. ગુજરાતના સાગરખેડુઓના નાના-મોટા તમામ પ્રશ્નો હલ કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.તેમણે કહ્યું કે, સાગરખેડૂના કલ્યાણ માટેની યોજનાઓ અમલી બનાવવી, દરિયાકાંઠાના ગામોના વિકાસ કામો હાથ ધરવા, નવા બંદરો વિકસાવવા અને નવી જેટી બાંધવી જેવા કાર્યો થકી રાજ્ય સરકારે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોની હંમેશા દરકાર કરી છે.તેમણે ઉમેર્યું કે, ધોલાઇ બંદરના વિકાસ માટે રાજય સરકારે ૧૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. ધોલાઇ બંદરને ઇ.સ.૨૦૦૪માં મંજુરી આપવામાં આવી હતી અને ઇ.સ.૨૦૦૭માં તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ધોલાઇ બંદરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. માછીમારોને ડીઝલ સબસીડી સમય મર્યાદમાં તેમના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને ટોકન પણ ઓનલાઇન મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ધોલાઇ બંદરની મુલાકાત લઇ બંદર વિકાસ માટેનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યાર બાદ બિલીમોરા ટંડેલ ફાર્મ ફ્રેશ ડેલીસીયસની મુલાકાત લીધી અને એક્ષર્પોર્ટ ફીશીંગની પ્રોસેસીંગ યુનિટનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, માછી સમાજના અગ્રણીઓ, બોટ એસોસિએશનના અગ્રણીઓ સહિત સાગરખેડૂ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.



