આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પાંચ પોલિટેકનીક અભ્યારસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પ્રમાણપત્રો એનાયત કરાયા

જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્‍તાર કરવાનો અનુરોધ કરતાં જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

:: જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ખેડૂતોને આવક બમણી કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. હાલના સમયમાં કૃષિ ક્ષેત્રથી ખોરાકની માંગ પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તકનિક અને પધ્‍ધતિસરના પ્રયાસો અનુસરીને ઉત્‍પાદન વધારી શકાય તેમ છે તેમ જણાવી જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્‍તાર કરવાનો અનુરોધ કર્યો હતો.

        આજે આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ. ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટી  સંલગ્‍ન પાંચ કોલેજોના પોલિટેકનીક અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પ્રમાણપત્રો એનાયત કરતાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને અભ્‍યાસની સાથોસાથ કૌશલ્‍ય,  કોઠાસૂઝની સાથે વર્તમાન અને ભાવિ પડકારોને નોકરી-વ્‍યવસાય ક્ષેત્રે અથાગ પ્રયાસો કરતાં રહીને કૃષિ ક્ષેત્રેને તેનો મહત્તમ લાભ મળે તે જોવા કહ્યું હતું.

        શ્રી દક્ષિણીએ કેન્‍દ્ર-રાજય સરકારની ખેડૂતોના હિતાર્થે અમલમાં મૂકવામાં આવેલ કિસાન સન્‍માન નિધિ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્‍ટ્રીય કૃષિ બજાર(ઇ-નેમ), નીમ કોટેટ યુરિયા, પ્રધાનમંત્રી કિસાન પેન્‍શન યોજના જેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી ઇનોવેટીવ પ્રવૃત્તિઓના ફળો આજે ખેડૂતોને મળી રહ્યા હોવાનું જણાવ્‍યું હતું.

        કલેકટરશ્રીએ આજના ડિઝિટલ યુગમાં પુસ્‍તકોની સાથે ઇ-પુસ્‍તકો અને ખેડૂતલક્ષી વિવિધ લેખોને ડિઝિટલ સ્‍વરૂપે મૂકવા સૂચન કર્યું હતું.

        કલેકટરશ્રીએ આજે સુવર્ણચંદ્રક પદક અને પ્રમાણપત્રો મેળવનાર વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્ર આગળ વધતા રહે અને તેઓ પોતાની ઉજ્જવળ કારકીર્દિ તરફ આગળ વધે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

        આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ પોલિટેકનીક અભ્‍યાસક્રમોની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, પહેલાં પોલિટેકનીકમાં બે વર્ષ હતા અને હવે ત્રણ વર્ષ કરવામાં આવ્‍યા છે. તેમણે વધુમાં દેશમાં કૃષિ શિક્ષણને લગતા પોલિટેકનીકના કોર્ષ રાજયની ચારેય યુનિવર્સિટીની ૨૪ કોલેજોમાં માત્ર ગુજરાતમાં જ ચાલતા હોવાનું જણાવ્‍યું હતું.

        ડૉ. કથીરીયાએ વિદ્યાર્થીઓને તેઓના અભ્‍યાસકાળ દરમિયાન પુસ્‍તકના જ્ઞાનની સાથે પ્રેકટીકલ જ્ઞાન મળી રહે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓને કૃષિલક્ષી સાચું જ્ઞાન મેળવવાની રહેવાની સાથે વિદ્યાર્થીઓને માત્ર યુનિવર્સિટીના કેમ્‍પસમાં જ નહીં પણ યુનિવર્સિટીની બહાર લઇ જઇ પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોમાં  લઇ જવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ વધુ પરિપકવ થઇ કૃષિ ક્ષેત્રે તેઓનું મહત્તમ યોગદાન આપી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું કહ્યું હતું.

        ડૉ. કથીરીયાએ આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતોના ઉત્‍થાન માટે સતત કાર્યશીલ રહી યુનિવર્સિટી અને તંત્રના સંકલનમાં રહી કામ કરવા હંમેશાં તત્‍પર રહેશે તેવી ખાત્રી આપી પોલિટેકનીકની ડિપ્‍લોમા અને ડિગ્રીને પદવી મેળવી અહીંથી કૃષિનું જ્ઞાન મેળવનાર વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં કૃષિ ક્ષેત્રે આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરી યુનિવર્સિટીનં નામ રોશન કરી જીવનપથ પર આગળ વધે તેવી મહેચ્‍છા વ્‍યકત કરી શુભેચછાઓ પાઠવી હતી. તેમણે વધુમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ડિપ્‍લોમા ટુ ડિગ્રી થી ડૉકટરેટ સુધીની તક મળતી હોવાનું ઉમેર્યું હતું.

        આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિએ જમીનો ટૂંકી થતી જાય છે, જમીનની  ફળદ્રુપતા, જમીનામાં ખારાશ આવવી, કેમીકલ આવવું જેવા અનેક વૈશ્વિક પડકારોને પહોંચી વળવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહેવાની યુવાનોને શીખ આપી હતી. તેમણે કેન્‍દ્ર અને રાજય સરકાર ખેડૂતોને આવક બમણી થાય તે માટે પ્રયાસો કરી રહી છે ત્‍યારે ખેડૂતો તેમના પાકનું મૂલ્‍યવર્ધન કરવાની દિશા તરફ આગળ વધે તે માટેના પ્રયાસો કરવા અને ખેડૂતોને તૈયાર કરવા સુચવ્‍યું હતું.

        શ્રી પ્રજાપતિએ વિદ્યાર્થીઓને ખેતી નફાકારક બને તે માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને ખેત પધ્‍ધતિમાં બદલાવ લાવવાનું જણાવી ઉચ્‍ચ ગુણવત્તાવાળા પાકોનું વાવેતર અને ઉત્‍પાદન કરવા જણાવ્‍યું હતું. તેમણે સુવર્ણપદક મેળવનાર અને પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓને તેમની ઉચ્‍ચ કારકીર્દિ અને ઉજજવળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

        આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક શ્રી એમ. કે. ઝાલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીની દીર્ઘદ્રષ્‍ટિના કારણે આ સંસ્‍થાનું નિર્માણ થયું હોવાનું જણાવી આણંદ કૃષિ યુનિવર્સિટીએ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીસ્‍તરે નામના મેળવી હોવાનું કહ્યું હતું.

        શ્રી ઝાલાએ ૭૫ વર્ષ પૂર્વે શરૂ થયેલ ડીપ્‍લોમા થી સ્‍નાતક  કક્ષા સુધીની યુનિવર્સિટીની કૃષિ શૈક્ષણિક ક્ષેત્રમાં હાંસલ કરેલ વિવિધ અભ્‍યાસક્રમોની અને સંશોધન પ્રગતિની રૂપરેખા આપી યુનિવર્સિટીએ લેબ ટુ લેન્‍ડનો અભિગમ અપનાવ્‍યો હોવાનું કહ્યું હતું.

        આ પ્રસંગે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પોલિટેકનીક દીઠ પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પાંચ-પાંચ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા.

        આ પ્રસંગે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ફળ પાકો અને ખેડૂતો ઉપયોગી સંશોધન ભલામણો-૨૦૨૦ પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

        પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટી  વિદ્યાર્થી કલ્‍યાણના નિયામક શ્રી ડૉ. ડી.એચ.પટેલએ સ્‍વાગત પ્રવચન કરી શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે શિક્ષણ થકી આંતરિક વિકાસ કેળવી વૈશ્વિક પડકારો ઝીલવા સક્ષમ બનાવવાનો છે. જેથી વિદ્યાર્થીઓ જીવનમાં આવનારા અને નોકરી-વ્‍યવસાયમાં આવનારા પડકારો ઝીલવા સક્ષમ બને તેમ કહ્યું હતું. જયારે અંતમાં ઇન્‍ચાર્જ કુલસચિવ શ્રી ડૉ. ડી.ડી.પારેખએ આભારવિધિ કરી હતી.

        આ પ્રસંગે ભૂતપૂર્વ કુલપતિશ્રી શેખ, ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, પાંચેય પોલિટેકનીક કોલેજના આચાર્યશ્રીઓ, ડીનશ્રીઓ, પ્રાધ્‍યાપક ગણ, વૈજ્ઞાનિક ગણ, જુદી જુદી કમિટિઓના કન્‍વીનરશ્રીઓ, યુનિવર્સિટીના વિસ્‍તરણ અધિકારીશ્રી અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM