ગુજરાત એનર્જી લિમિટેડની સફળ વ્યૂહરચના થકી માત્ર ૧.૫ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦ થતાં મોરબીના સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ મળ્યો : ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

તા. ૧ માર્ચ, ૨૦૨૬થી અત્યાર સુધીમાં કંપનીએ આશરે ૪૦ હજાર રહેણાંક હેતુ માટેનો પાઇપ્ડ નેચરલ ગેસ (D-PNG) કનેક્શન આપ્યા અને તે ઉપરાંત આશરે ૧૩ હજાર પુનઃજોડાણ પણ અપાયા

ગુજરાતનો મોરબી સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાત એનર્જી લિમિટેડ-GELની સફળ વ્યૂહરચના થકી માત્ર દોઢ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦ થતાં મોરબી સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ મળ્યો છે.

અગાઉ ગુજરાત ગેસ લિમિટેડના નામથી ઓળખાતી ગુજરાત એનર્જી લિમિટેડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મોરબીમાં પાઇપ્ડ નેચરલ ગેસ-PNGના અધિકૃત સપ્લાયર તરીકે પ્રવર્તમાન પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ અવિરત ગેસ પુરવઠો અને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરીને રાજ્યના સિરામિક ઉદ્યોગ પ્રત્યેની તેની મજબૂત પ્રતિબદ્ધતા સાકાર કરી છે

વર્ષોથી, GEL એ મોરબી સિરામિક ક્લસ્ટરની સંપૂર્ણ માંગને પહોંચી વળવા માટે એક વ્યાપક ગેસ વિતરણ નેટવર્ક વિકસાવ્યું છે.

હાલમાં, આશરે ૮૬૫ ઔદ્યોગિક એકમો GEL PNG પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા છે, તેમ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ઊર્જા મંત્રીશ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, તાજેતરની ભૂ-રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ ભારત સરકારના નિર્દેશો અનુસાર અવિરત પુરવઠો જાળવવા માટે મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી હતી. આ કટોકટીના કારણે કાચા માલના ખર્ચમાં થતો વધારો, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર લગાવેલા નિયંત્રણો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારાને લીધે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચ ૨૦૨૬ના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ સ્થગિત કરી દીધી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, આ પરિસ્થિતિમાં GEL દ્વારા કામગીરી ફરી શરૂ કરવા માટે મોરબી સિરામિક એસોસિએશન સહિતના ઉદ્યોગો સાથે સંકળાયેલ તમામ હિસ્સેદારો સાથે વ્યાપકપણે વિચારણા કરવામાં આવી હતી. GEL દ્વારા તેની વૈવિધ્યસભર સોર્સિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ઔદ્યોગિક ગ્રાહકોને મે, ૨૦૨૬ના મહિના માટે ભાવની સુનિશ્ચિતતા સાથે અવિરત ગેસ પુરવઠાની ખાતરી આપવામાં આવી હતી. તે પ્રયાસોના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે, જેના પરિણામે મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગત તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ મોરબી વિસ્તારમાં અંદાજિત ૮૩ એકમો કાર્યરત હતા. જ્યારે તા.૧૭ મે, ૨૦૨૬ સુધીમાં ૬૭૦થી વધુ એકમો કાર્યરત થયા છે. આનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર ક્લસ્ટરમાં ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો છે.

ઔદ્યોગિક ઉત્પાદનને ટેકો આપવા ઉપરાંત, GEL ઉત્પાદન એકમોમાં ઔદ્યોગિક / કર્મચારી કેન્ટીન સુવિધાઓ માટે PNG કનેક્શનની સુવિધા આપી રહ્યું છે, જે એકંદર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવે છે.
મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કટોકટીના સમયગાળા દરમિયાન કંપનીએ ઘરેલુ અને વાણિજ્યિક વિભાગમાં PNGનો ઉપયોગ વધારવાના પ્રયાસોને પણ વેગ આપ્યો છે

તા. ૧ માર્ચથી ૧૭ મે, ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન કંપનીએ આશરે ૪૦ હજાર D-PNG કનેક્શન અને તે ઉપરાંત આશરે ૧૩ હજાર પુનઃજોડાણ અને ૫૦૦ કોમર્શિયલ જોડાણ પૂરા પાડ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં તમામ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓએ મળીને આશરે ૮૫ હજાર D-PNG કનેક્શન અને ૧,૧૦૦ કોમર્શિયલ જોડાણ પૂરા પાડ્યા છે.

કંપનીએ હોસ્પિટલ, હોસ્ટેલ્સ, કોમ્યુનિટી કિચન, ઔદ્યોગિક કેન્ટીન, શાળાઓ, કોલેજો જેવા આવશ્યક શ્રેણીના ગ્રાહકોને કનેક્શન પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ સમયગાળા દરમિયાન આવશ્યક શ્રેણીના ગ્રાહકોને આશરે ૧૧૦ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાતની તમામ CGD કંપનીઓ દ્વારા ૨૨૫ કનેક્શન આપવામાં આવ્યા હતા, તેમ તેમણે ઉમેર્યું હતું.
અંતે મંત્રી શ્રી પટેલે જણાવ્યું કે, વૈશ્વિક કટોકટીના કપરા સમયમાં GEL એ પોતાની ત્વરિત કાર્યક્ષમતા, ઉત્કૃષ્ટ વ્યુહરચના અને સહિયારા પ્રયાસો થકી ગુજરાતની ઇકો-સિસ્ટમને સુરક્ષિત રાખી છે. ગુજરાતનું ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ભૂ-રાજકીય કટોકટી સામે સંપૂર્ણપણે અડીખમ (Resilient) સાબિત થયું છે. ભવિષ્યમાં પણ, GEL અવિરત ઊર્જા, ભાવ-સ્થિરતા અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી ગુજરાતની ઔદ્યોગિક મજબૂતી અને ઘરેલુ PNG ના વ્યાપને નિરંતર વધારવા માટે સંકલ્પબદ્ધ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM