કોન્ફરન્સના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે કેવડિયા ખાતે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ યોજેલી સમીક્ષા બેઠક
રાજપીપલા, રવિવાર:- રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે તા.૩૦ મીથી તા.૩૧ મી ઓગષ્ટ,૨૦૨૧ દરમિયાન દ્વિ-દિવસીય યોજાનારી રાષ્ટ્રીય કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓ અંગે ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે કેવડિયા ટેન્ટસીટી નં-૨ ખાતે જિલ્લા પ્રશાસન, SOUADTGA ના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને કોન્ફરન્સના આયોજન સંદર્ભે કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે જરૂરી સમીક્ષા કરી મંત્રીશ્રીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે, ફક્ત કોન્ફરન્સનો ઉદ્ઘાટન તારીખ ૩૧મી ઓગસ્ટના રોજ કેવડીયા ટેન્ટસીટી નં-૨ ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરાશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સચિવશ્રી પલ્લવી અગ્રવાલ, ગુજરાતના સચિવશ્રી કે.કે. નિરાલા, નિયામકશ્રી ડી.એન. મોદી, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, SOUADTGA ના CEO શ્રી રવિશંકર, મુખ્ય વન સંરક્ષક શ્રીમતી આરાધના શાહુ, પોષણના નિયામક સુશ્રી અમિતા ત્રિપાઠી, જંગલ સફારી પાર્કના નિયામકશ્રી ડૉ. રતન નાલા, નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દુધાત સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે મંત્રીશ્રીઓએ યોજેલી ઉક્ત બેઠકમાં કોન્ફરન્સમાં ભાગ લેનાર મહાનુભાવોના આવાગમન, રોકાણ, ટ્રાન્સપોર્ટેશન, વડોદરા- અમદાવાદ એરપોર્ટ પર જરૂરી સંકલન અને સંબધિત મહાનુભાવો સાથે લાયઝન અધિકારીઓની વ્યવસ્થા ઉપરાંત કોન્ફરન્સ સંચાલન કેવડિયા ખાતેના પ્રવાસન પ્રોજેક્ટસની મુલાકાત સંદર્ભે આયોજિત પ્રોગ્રામ અંગે પણ મંત્રીશ્રીઓએ ઝીણવટભરી જાણકારી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે કોન્ફરન્સ હોલ ખાતેના મુખ્ય કાર્યક્રમની બેઠક વ્યવસ્થા સહિતની આનુસંગિક તમામ સુવિધાઓ-વ્યવસ્થાઓનું પણ સ્થળ નિરિક્ષણ કર્યું હતું.






