સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧લી થી ૩૧ ઓક્ટોબર સુધી પુજ્ય મહાત્મા ગાંધીજીનો સ્વચ્છતાનો સંદેશ ફેલાવાશે. જેમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન તા. ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવવામાં આવશે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાને સ્વચ્છ બનાવવાના હેતુથી શામળાજી ખાતે મંદિર પરિસર, રસ્તાઓ અને સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. જેમાં શામળાજીના અનેક સ્થળો પર સ્વચ્છ અભિયાન ટીમ દ્વારા પડેલ જૂની વસ્તુઓ, કચરો, મોટા પાયે પડી રહેલા પૂંઠાઓનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવાના સપનાને લઈને શામળાજીમાં જુદા-જુદા સ્થળોએ વૃક્ષારોપણ પણ કરાયું હતું. ભારતના ૨.૫૦ લાખ ગામડાઓ અને ૭૪૪ જિલ્લાઓમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને એન.એસ.એસ વિધાર્થીઓ દ્વારા ઘેર-ઘેર પહોંચીને કચરો અને પ્લાસ્ટીક એકઠુ કરવામાં આવશે. આ સાથે જળસ્ત્રોતોની સાફ સફાઇ પણ કરવામાં આવશે. ગામડાઓના બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવશે તેમજ હેરિટેજ સાઇટની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો હોસ્પિટલ અને પિવાના પાણીના સ્ત્રોતોની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. આ ૩૧ દિવસ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર સ્વચ્છતાનો સંદેશો ફેલાવી દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ સ્થાનિક નગરપાલિકા, શહેરી વિસ્તારો દરેક શેરી મહોલ્લાની જગ્યાએ યુવાનો દ્વારા ખાસ અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવશે. તેમજ કચરો ડોર ટુ ડોર કલેકશન કરીને પધ્ધતિસરનો નિકાલ કરવામાં આવશે જેમાં યુવાનો પ્રબુધ્ધ નાગરિકો સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો ચુંટાયેલા પદાધિકારીઓ સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થઈ સહયોગ આપવા નમ્ર અપિલ કરવામાં આવી છે.


