આંબાવાડી ગૃપ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને પ્રતાપનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની વિશેષ ઉપસ્થિતિ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલયુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ સાથે કરાઈ સફાઈ કામગીરી
રિપોર્ટ -શૈશવ રાવ- રાજપીપલા
રાજપીપલા,શનિવાર :- તા.૨ જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકાર ધ્વારા જલ જીવન મિશન તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત “સ્વચ્છ ભારત-CLEAN INDIA” ના કાર્યક્રમના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જિલ્લાના આંબાવાડી ગૃપ ગ્રામ પંચાયત ખાતે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ પ્રતાપનગર ગ્રામ પંચાયત ખાતેની ગ્રામસભામાં ઉપસ્થિત રહીને ગ્રામસભાઓ ખુલ્લી મૂકી હતી. આજે નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગામ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગ્રામ સભાઓ યોજાઇ હતી.
નર્મદા જિલ્લામાં યોજાયેલી ઉક્ત ગ્રામસભાઓ દરમિયાન જલ જીવન મિશન, સ્વચ્છતા અભિયાન, ૧૫ મા નાણાપંચ ઉપરાંત સ્વચ્છતા પખવાડિયું તથા “સ્વચ્છ ભારત-CLEAN INDIA”, સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ, ગામ સુંદરતા અભિયાન, પાણીના પરંપરાગત સ્ત્રોતોની સફાઈ અને જાળવણી વગેરે જેવી બાબતો અંગે જરૂરી ચર્ચાઓ સાથે વિચાર-વિમર્શ કરાયો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ અંગે જરૂરી માર્ગદર્શન આપવા સાથે ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. નર્મદા જિલ્લામાં ગામેગામ યોજાયેલી ગ્રામ સભાઓ દરમિયાન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “જલ જીવન મિશન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમના જીવંત પ્રસારણ ને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુર્ષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, ઉપરાંત જિલ્લાના સંબંધિત ગામોની ગ્રામસભામાં ઉપસ્થિત સરપંચશ્રીઓ, ગ્રામજનો, ગામ આગેવાનો, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશા બહેનો, નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો વગેરે સ્વચ્છતા અભિયાનની કામગીરીમાં જોડાઈને સિંગલયુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ ઉપરાંત પાણીના સ્ત્રોતોની સાફ-સફાઈ, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રોના સ્થળોની સાફ-સફાઈમાં સહભાગી બન્યાં હતાં.







