ગાંધીનગર: ગુરૂવાર:
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ, રિસોટૂર્સ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક- વોટર પાર્ક, સિનેમાભરો, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમને વર્ષ- ૨૦૨૧-૨૨ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવા અંગેની કમિશનરની ભલામણને આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શ્રી જસંવતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સ્થાયી સમિતિની બેઠકમાં અલગ- અલગ પ્રકારના ૧૪ વિષયનો આવરી લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં આવરી લેવામાં આવેલા વિષયમાં તા. ૧૫મી માર્ચ અને તા. ૨૧મી ઓકટોબર, ૨૦૨૧ દરમિયાન મળેલી બેઠકની પ્રોસીડીંગને મંજૂરી આપવામાં આવી છે. તેમજ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા સ્વ. શ્રી પ્રવિણભાઇ વી. પંડયાના વારસદાર શ્રી ભાવેશ પ્રવિણભાઇ પંડયાને સફાઇ કામદાર તરીકે રહેમરાહે નિમણુંક આપવાની કાર્યવાહીને પણ આજરોજ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં નાણાંકીય વર્ષ- ૨૦૨૧-૨૨માં એડવાન્સ મિલકતવેરો ભરનાર કરદાતા માટે ૧૦ ટકા વળતર યોજનાની સમયમર્યાદા વધારવામાં આવી હતી. તેને પણ મંજૂરી આપી હતી.
તે ઉપરાંત મહાનગરપાલિકામાં જૂના વાહનોનો હરાજી દ્વારા નિકાલ કરવા, મહાનગરપાલિકામાં જરૂરિયાત મુજબના નવા વાહનોની ખરીદી કરવા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતે બે કલાર્ક આઉટસોર્સથી નિમણુંક કરવાની અને અન્ય બાબતેને સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે.
તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના સેકટર-૧૭માં નિર્માણ પામેલા નવીન ભવનમાં ઇન્ટીરીયલ, ફર્નિચર, એચ.વી.એસી તથા બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમની કામગીરી એચ.વી.એસી અને બી.એમ.એસ.ના ૫ વર્ષના મેઇન્ટેનન્સની કામગીરી માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા અંદાજીત ભાવો રુપિયા ૯,૪૩,૯૬, ૩૧૪ ની સામે ૨૮.૯૨ ટકા નીચા ભરાઇ આવેલા એલ-૧ ઇજારાદારશ્રી જયોતિ ઇન્ફરાકોન કંપનીનું રૂપિયા ૬,૭૦,૯૬,૯૦૦/- નું ટેન્ડર મંજૂરી આપવાની કાર્યવાહી પણ સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. ધવલ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ સહિત કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

