રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો પ્રેરક અનુરોધ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટના લોકોને ભય મૂક્ત બની કોવીડ – ૧૯ મહામારીનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાના કાળની સામે આપણે છેલ્લા ૬ મહિનાથી લડી રહયાં છીએ. આ સમય દરમિયાન ગુજરાત સરકારે લોકોને કોરોનાથી મૂક્ત બનાવવા માટે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે. રાજકોટની કોવીડ – ૧૯ હોસ્પિટલને ફાઈવસ્ટાર કેટેગરીની બનાવવામાં આવી છે. લોકોને આરોગ્યની સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે. આ સમયમાં આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાથે મળીને તેને હરાવવાનો છે. આવનારા દિવસોમાં કોરોના હારશે જ તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. સરકાર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે અભિયાન રૂપી કાર્ય કરવામાં આવી રહયું છે, ત્યારે આ અભિયાનમાં આપણે સૌ સાથે મળીને સહકાર આપીએ. ડરવાના બદલે કોરોના સંક્રમણને આપણે સમજીશું અને તેને અનુરૂપ સાવચેતીના પગલાં ભરશું તો આપણે અવશ્ય ઝડપથી કોરોના મૂક્ત બની શકીશું. છેલ્લા ૬ મહિનાથી આપણે કોરોના મહામારીનો સામનો કરી રહયાં છીએ અને હવે ઉત્તરોત્તર મૃત્યુદર પણ ઘટતો જાય છે. અને તેથી જ આપણે જો કોરોનાને હરાવવો હશે તો થોડી વધારે કાળજી રાખવી પડશે. આપણે સૌ સાથે મળી આપણા મનમાં રહેલા કોરોનાના ડરને બહાર કાઢી નાખીને કોરોનાનો સામનો કરીએ તો બહું જ જલ્દી ‘‘ હારશે કોરોના, જીતશે રાજકોટ’’

