પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક જન આંદોલન શરૂ કર્યું અને દરેકને કોરોના સામેની લડતમાં એક થવા આહ્વાન કર્યું. લોક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત, દરેક જણ કોવિડ-19 પ્રતિજ્ઞા લેશે. રાજ્યમાં ભ્રમણ કરી રહેલા પાંચ કોવિડ વિજય રથ છેલ્લા એકત્રીસ દિવસથી કોરોના જાગૃત્તિનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાનને અનુલક્ષીને હવે પછીની યાત્રામાં લોકોને જન આંદોલન વિશે પણ માહિતગાર કરશે અને માસ્ક બરાબર રીતે પહેરવો, સાબુથી હાથ વારંવાર ધોવા અને 6 ફુટના સામાજિક અંતરનું પાલન કરવું એ ત્રણ મુખ્ય બાબતોને વિજય રથ અભિયાનમાં વણી લેવામાં આવશે. આજે કોવિડ વિજય રથ નવા જુસ્સા સાથે આગળ વધ્યા હતા અને જનઆંદોલનના પ્રથમ દિવસે જ સેંકડો લોકોને કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા હતા.
આજે બત્રીસમા દિવસે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની મામલતદાર કચેરીથી મામલતદાર શ્રી એસ. જી. પરમારે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પારેખ તથા અન્ય અગ્રણીઓ સામાજિક અંતરનું પાલન કરીને ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે આજે શરુ થયેલ જનઆંદોલનના ભાગ રૂપે કોવિડ-19 જાગૃતિ શપથ લીધા હતા. સમગ્ર દિવસ દરમિયાન મેઘરજ જૂના બસ સ્ટેશન, તેમજ આસપાસના વિસ્તારોમાં રથે ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ નાગરિકોને કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી તથા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી આપી હતી.
આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ડી. એચ. કોટકે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે લાલપુરના વિવિધ વિસ્તાર જેવા કે કોટ વિસ્તાર, સહકાર પાર્ક, પોલીસ સ્ટેશન, મુખ્ય બજાર, જામા મસ્જિદ, માર્કેટ વગેરે વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. કલાકારોએ વિવિધ કળા નિદર્શન દ્વારા લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કર્યા અને કોરોના સાવચેતી અંગે જાગૃત કર્યા, તેમજ લોકોને કોરોના જાગૃતિ શપથ પણ લેવડાવ્યા હતા. આ સાથે જ લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કર્યું. સાંજે 4 વાગે રથે લાલપુર ખાતે રોકાણ કર્યું હતું.
આજે રથે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાથી સવારે 10 વાગે પ્રસ્થાન કર્યું હતું. ડૉ. દર્શન કુકડિયાએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે પાવીજેતપુર ગામ, ચોક બજાર, તેજગઢ ગામ, વગેરે વિસ્તારોમાં ભ્રમણ કરીને કોરોના અંગે, પોષણના મહત્વ વિશે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોમાં રસીકરણના મહત્વ વિશે જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત રથ પર સવાર કલાકારોએ સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોને કોરોના જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.
આજે જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકાની મામલતદાર કચેરીથી સવારે 1૦ વાગે રથે પ્રસ્થાન કર્યું હતું. નાયબ મામલતદાર શ્રી પરમારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે શરુ થયેલા જનઆંદોલનના ભાગ રૂપે મામલતદાર કચેરીના બધા જ અધિકારીઓએ કોવિડ જાગૃતિ શપથ લીધા હતા તેમજ સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ તમામ નાગરિકો પાસે કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. આજે બત્રીસમા દિવસે રથ કોડીવારના વિવિધ વિસ્તારો જેવા કે મામલતદાર કચેરી, મેમણ કોલોની બ્રહ્મપુરી, વરદાન હોસ્પિટલ પાસે, કોડીનાર નગર પાર્ક, એમ.એમ હાઇસ્કૂલ, હેલ્થ સેન્ટર, એસ ટી બસ સ્ટેન્ડ, વગેરે વિસ્તારોમાં ફર્યો હતો. દિવસના અંતે સાંજે 4 વાગે કોડીનારમાં રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
આજે રથે નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.
કોવિડ માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય તે હેતુથી આ કોવિડ રથમાં માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કળા દ્વારા સ્થાનિકો સુધી કોરોના જાગૃતિ સંદેશ, મહિલા અને બાળકોમાં યોગ્ય પોષણનું મહત્વ તથા સરકારની વિવિધ પહેલ વિશે તમામ માહિતી પહોંચાડી રહ્યા છે.



