
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ, ૬૯ ટીપરવાન તથા વોર્ડ નં.૧૭માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના માન.મંત્રીશ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમીતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસ કામોની વિગતો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૫/૦૭/૨૦૨૨ના રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ, ૬૯ ટીપરવાન તથા વોર્ડ નં.૧૭માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના માન.મંત્રીશ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સેનિટેશન કમીટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, જુદી-જુદી સમિતિ ચેરમેનશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ અને નગરજનો બહુળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના માન.મંત્રીશ્રી દેવાભાઈ માલમે જણાવેલ કે, ભારત દેશ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદથી ખુબ જ મજબુત બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં દેશને વિશ્વમાં આગવું સ્થાન મળેલ છે. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેના ૧૪ વર્ષ અને દેશના પ્રધાન મંત્રી તરીકેના ૮ વર્ષના શાસન કાળમાં માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ વિકાસ પ્રકિયા નવી નવી ઉચાઇ હાંસલ કરી રહી છે. શ્રેણીબધ્ધ વિકાસ કાર્યો થયા અને તેના પરિણામે ગુજરાત વિકાસનુ ગ્રોથ એન્જીન તરીકેનુ ગૌરવવન્તુ સ્થાન પ્રાપ્ત કરી શકેલ છે. આ વિકાસ યાત્રા વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહયા છે. રાજ્યમાં કાયદાની કડક અમલવારીના કારણે લોકો સલામતીનો અહેસાસ કરી રહયા છે. રાજ્યના નગરજનની સુખાકારી માટે ઘેર ઘેર નર્મદા નીર, શાળાઓમાં આધુનિક શિક્ષણ સહીતની સુવિધાઓ, આયુષ્માન કાર્ડ, પૌષ્ટિક આહાર, જેવી અનેક યોજનાઓ અમલમાં છે. તો, મહિલાઓના સશક્તિકરણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં ૫૦% અનામત અને નોકરીમાં પણ મહિલાઓને આ અધિકાર પ્રાપ્ત થયો છે.
માન.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ, મિશન મંગલમ, બેટી બચાવો બેટી પઢાઓ, કુંવરબાઈનુ મામેરું, વહાલી દીકરી, અભયમ, જેવી અનેકવિધ યોજના થકી મહિલાઓ ખુબ જ આગળ વધેલ છે. વિશેષમાં સરકારશ્રીએ કિશાનોને આત્મનિર્ભર બનાવવા, સિંચાઇની સુવિધા, દિવસે વીજળી, કૃષિ મહોત્સવ, પાક વિમા યોજના તથા કૃષિ પેદાશો માટે ટેકાના ભાવ, ખેડૂતોના આર્થિક સહાય વગેરે યોજના અમલી બનાવેલ છે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે રાજ્યના વિકાસની સાથો સાથ રાજકોટ શહેરે પણ છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે. રાજકોટ શહેરમાં લગભગ તમામ ક્ષેત્રોને સમાવી લેતા વિકાસ કામો કરવામાં આવ્યા છે. જેના લોકો સાક્ષી છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા માન.મેયર ડૉ.પ્રદિપ ડવે જણાવેલ કે છેલ્લા ૨૦વર્ષથી ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. રાજકોટને ક્યારેય પણ પાણીનો પ્રશ્ન ન રહે તે માટે પણ ગુજરાત સરકાર સતત ચિંતિત છે. જયારે જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર આપવામાં આવે છે. ૨૦ વર્ષ પહેલા રાજકોટની પાણીની કફોડી સ્થિતિ હતી. તે હવે સ્વપ્ન બની ગયું છે. પુરતા પ્રમાણમાં આજે રાજકોટને પાણી મળી રહે છે. અને પાણીની ખુબ સારી આજે પરીસ્થિત છે. લાઈટ હાઉસ પ્રોજેક્ટ જે ભારતમાં ફકત ૬ શહેરોમાં છે તેમાં ૧૧૪૪ આવાસો છે. તેનું માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ડ્રોન દ્વારા આવતીકાલે નિરક્ષણ કરવાના છે. માન.વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની પ્રગતિ અને દરેક નાગરિકની સુખાકારીની ચિંતા કરી રહયા છે. તેઓ દેશના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ એઈમ્સની સુવિધા થી માત્ર રાજકોટને નહિ પણ સૌરાષ્ટ્ર કચ્છને પણ લાભ મળવાનો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર, સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટ આગળ ધપી રહયા છે. તેમજ ગાંધી મ્યુઝીયમ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, આવાસ, લાઈટ હાઉસ વગેરે જેવા પ્રોજેક્ટ થી શહેરનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન થયેલું છે. એ ભારત ભરમાં ઉદાહરણ આપી શકાય. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા માટે નવા વોર્ડ ભરી રહયા છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ માધાપર ચોકડી ખાતે તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગોંડલ ચોકડી પાસે બ્રીજ બની રહયા છે. આગામી દિવસોમાં આ બ્રીજોનુ લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ૪૭ હેકરમાં રામવનનુ નિર્માણ કાર્ય ચાલુ છે. તેનું ટુંકાગાળામાં લોકાર્પણ કરવામાં આવશે. આ આજનું રાજકોટ છે વિશ્વના ડેવલપ શહેરોમાં રાજકોટનું નામ છે. રંગીલા રાજકોટમાં શાંતિ છે અને સલામતી છે અને વિકાસશીલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી યોજનાઓ જેવીકે આયુષ્માન કાર્ડ, માતૃ શક્તિ, આવાસ યોજના, વીજ કનેક્શન, પ્રધાન મંત્રી સ્વનિધી યોજના, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ યોજનાના લાભાર્થીઓને માન.મંત્રીશ્રી તથા મહાનુભાવોના વરદ હસ્તે સહાય એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત વંદે ગુજરાત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા પારિતોષિક અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમની શરૂઆતમાં માન.મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તેમજ મંત્રીશ્રીનુ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને કમિશનરશ્રી તથા શહેર ભાજપના હોદેદારો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવોનુ બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ ઔષધીય છોડ આપી સ્વાગત કરેલ. જયારે મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા આપેલ. ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ગવાયેલ જય જય ગરવી ગુજરાત ગીતનો વિડીયો, ગુજરાતની ૨૦ વર્ષ વિકાસ યાત્રાની ડોક્યુમેન્ટરી તથા પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનો વિડીયો પ્રદર્શિત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધી સેનિટેશન કમિટી અશ્વિનભાઈ પાંભર કરેલ.
ડાયસ કાર્યક્રમ બાદ માન.મંત્રીશ્રી દેવાભાઈ માલમ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફ્લેગ આપી વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પ્રસ્થાન કરાવેલ તેમજ ૬૯ ટીપરવાન તથા વોર્ડ નં.૧૭ની નવનિર્મિત વોર્ડ ઓફિસનું માન.મંત્રીશ્રી વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.
