નર્મદા જિલ્લાના કુલ વાવેતર પૈકી ૫૯૪૩૦ હેક્ટર જમીનમાં ભારે વરસાદની થયેલી અસર : અસરગ્રસ્ત ૫૪૭ ગામોમાં ૨૨ ટીમો દ્વારા થઇ રહેલી નુકશાના પ્રાથમિક સર્વેની કામગીરી

જિલ્લામાં ભારે વરસાદથી કરજણ નદીમાં સર્જાયેલી પુરની સ્થિતિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે ડ્રોન સર્વેલન્સથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરાઇ રહેલો પ્રાથમિક સર્વે

નાંદોદ તાલુકાના કરજણ નદી કાંઠામાં આવતા ૧૨ જેટલા ગામોમાં ખેતીને અસર થઈ હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગનું પ્રાથમિક તારણ

શૈશવ રાવ રાજપીપલા
નર્મદા જિલ્લામાં ગત તા.૧૦ મી જુલાઈથી શરૂ થયેલા વરસાદમાં સાગબારા અને દેડીયાપાડા તાલુકા વિસ્તારમાં થયેલા અતિભારે વરસાદને કારણે કરજણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નાંદોદ તાલુકામાં કરજણ નદીના કિનારે આવેલા ગામોની ખેતીને નુકશાન થવા પામ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ નાંદોદ તાલુકાના કરજણ કાંઠા વિસ્તારમાં આવતા કુલ ૧૨ ગામમાં ખેતીને નુકશાન તેમજ જિલ્લાના પાંચ તાલુકાના ૫૪૭ જેટલા ગામો અસરગ્રસ્ત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ ખેતીવાડી વિભાગ તરફથી પ્રાપ્ત થયો છે અને તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગની ૨૨ ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ વિગતવાર સર્વે માટે ટીમો ગામેગામ ફરીને વિગતવાર સર્વે કરશે. આગામી ટૂંક સમયમાં જ આ તમામ ગામોમાં જઈને સર્વે પૂર્ણ કરવા માટે ખેતીવાડી વિભાગ પ્રતિબદ્ધ છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા કુલ-૬૪ ગામોમાં બાગાયત પાકના ૫૬૧૪ હેક્ટર  વિસ્તારનો ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો છે. તેમજ અન્ય વિસ્તારો મળી જિલ્લામાં કુલ-૫૯૪૩૦ હેક્ટર વિસ્તારમાં આવેલ ખેતીને અસર થઇ હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ છે. આ અંગે વધુ વિગતો આપતા નર્મદા જિલ્લાના નાયાબ બાગાયત નિયામકશ્રી એન.વી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત તા.૧૦ અને ૧૧ મી જુલાઈએ ભારે વરસાદ થયો હતો. ઉપરવાસમાં થયેલા વધુ વરસાદના કારણે કરજણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેથી કાંઠા વિસ્તારોમાં આવેલા નાંદોદ તાલુકાના ગામોમાં બાગાયતી પાકોવાળા ખેતરોમાં પાણીનો પ્રવાહ આવતા ખેતીને નુકશાન થયું હતું. જેનો હાલમાં બાગાયત વિભાગની ટીમો દ્વારા પ્રાથમિક સર્વે ચાલી રહ્યો છે. સર્વે બાદ નુકશાની અંગે જે કંઈ પ્રાથમિક અંદાજ આવે તે મુજબ સરકારશ્રીની જોગવાઈઓ અનુસાર વિગતે સર્વે કરવામાં આવશે. ખાસ કરીને નદી કાંઠાના ૧૨ ગામોમાં કેળની ખેતીને નુકશાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં શાકભાજીના પાકોને પણ મહ્દ અંશે નુકસાન થયું છે. જેની નુકશાનો પ્રાથમિક સર્વે આગામી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારેથી અતિ ભારે વરસાદથી કરજણ નદીમાં આવેલા પૂરના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં ખેતી પાકોને નુકશાન થયું હતું. જેનો હાલમાં પ્રાથમિક સર્વે કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અંદાજે ૨૧ હજાર હેક્ટર જેટલા વિસ્તારોમાં ખેતી પાકોને નુકશાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે, જ્યારે ૫૯ હજાર હેક્ટરનું વાવેતર ભારે વરસાદથી પ્રભાવિત થયું હોવાનો એક અંદાજ સામે આવ્યો છે. જેના માટે સર્વે કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જિલ્લામાં ખેતી પાકોને કેટલું નુકશાન થયું છે તે અંગે વિગતવાર સર્વે બાદ સંપૂર્ણ વિગતો જાણી શકાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM