અબડાસા વિધાનસભા પેટા ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા પુરા જોમ જુસ્સા અને ઉત્સાહ સાથે અબડાસા વિસ્તારના મતદારો સાથે સતત લોક સંપર્ક અભિયાન ચાલી રહયું છે . આ પેટા ચૂંટણી અગાઉ પેજ કમીટીના હજારો સભ્યોના સ્માર્ટ કાર્ડ બનાવીને ચૂંટણી અગાઉ જ યૂહાત્મક બાજી મારી ગયેલ કચ્છ યુવા ભાજપની ટીમ આ સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમ્યાન ચાવીરૂપ ભૂમિકા અદા કરવાની હોઈ સમગ્ર યુવા ટીમનો ઉત્સાહ વધારવા પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો . ઋત્વિજભાઈ પટેલ ખાસ કચ્છ પધાર્યા હોઈ આજરોજ તેમની ઉપસ્થિતીમાં નખત્રાણા ખાતે યુવા કાર્યકરો સાથે વિચાર વિમર્શ કરાયો હતો અને એક ત્રસ્તરીય વ્યુહ રચના સુનિશ્વિત કરાઈ હતી . આ ત્રસ્તરીય વ્યુહરચનાના ભાગરૂપે અબડાસા મત વિસ્તાર હેઠળની તમામ જિલ્લા પંચાયત બેઠકો પર યુવા ભાજપના સ્થાનિક સભ્યોને જે તે બેઠકની વિશેષ જવાબદારી સોંપી તેમની સાથે જિલ્લા યુવા ભાજપની ટીમમાંથી તેમજ પડોશી જિલ્લાઓની યુવા ભાજપની ટીમમાંથી જવાબદાર અગ્રણીઓને સાથે રાખીને કુલ ત્રણ સ્તરનું જડબેસલાક સંગઠનાત્મક માળખું ઉભુ કરીને ચુંટણી લક્ષી માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે . આ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપતા ડો . ઋત્વિજભાઈ પટેલે જણાવ્યું હતું કે , આ રાષ્ટ્રમાં હંમેશા યુવા શકિતએ સામાજિક ઉત્થાન અને રાષ્ટ્રવાદની દિશામાં નકકર કાર્ય કર્યું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચો અગ્રેસર ભૂમિકા ભજવીને અબડાસાની બેઠક જંગી સફળતાથી કબ્બે કરશે એ નિશ્વિત બાબત છે . એક તરફ વિપક્ષને છેલ્લા દિવસ સુધી ઉમેદવાર જાહેર કરવામાં સાંસા પડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષે અસંખ્ય કર્મઠ કાર્યકરોના સંઘબળે અડધી લડાઈ જીતી લીધી છે . પ્રદેશ ભાજપ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે , આ પેટા ચૂંટણીનો જંગ ભાજપના વિકાસ અને રાષ્ટ્રવાદની નીતી જયારે કોંગ્રેસની દંભી અને બંધારી રાજનીતીનો વિરૂધ્ધનો છે . ભાજપનું મોવડી મંડળ હજારો કાર્યકરોની સાથે કેન્દ્ર અને રાજય સરકારની સિધ્ધીઓ અને ઉપલબ્ધિઓની વાત લઈને બુલંદ આત્મ વિશ્વાસથી પ્રજા સમક્ષ પહોંચી ચૂકયો છે ત્યારે વિપક્ષ કયા મુદે ચુંટણી જંગ લડવો એ અંગે હજી પણ અવઢવ અને ભારે ગડમથલમાં છે . જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , ભાજપ માટે રાજનીતી એ સતાનું સાધન નહીં પણ સેવાનું માધ્યમ છે . ચુંટણી લક્ષી રાજનીતીને કયારેય પણ ભાજપની વિચારધારામાં સ્થાન નથી મળ્યું બલ્ક હર હંમેશ પ્રજાજનોની વચ્ચે જાગૃત પ્રહરીની ભૂમિકા અદા કરીને અવિરત લોકસેવા કરતા રહેવું એ ભાજપની પ્રણાલી રહી છે . અબડાસા વિધાનસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , ” વિકાસની વાત અને કોંગ્રેસનો સાથ ” એ બને તદન વિરોધાભાસી બાબતો છે . લોકસેવા તેમજ વિકાસની વાત કરનારા લોકો માટે કોંગ્રેસ પક્ષમાં કોઈ જ સ્થાન નથી હોતું . માટે સરહદી વિસ્તાર અબડાસાની જનતાની ઉન્નતી અને વિકાસ માટે મેં કોંગ્રેસને તિલાંજલી આપી હું ભારતીય જનતા પક્ષમાં જોડાયો છું અને વિકાસના મંત્ર અને નારા સાથે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું અબડાસાની જનતાનો વિશ્વાસ જીતવા મેદાને ઉતર્યો છું અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે અબડાસાની જનતા મને પુનઃ એક વખત સ્વીકારશે . કાર્યક્રમના પ્રારંભે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ ગોરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આગામી ચૂંટણી લક્ષી તૈયારીઓ વિશે સૌ યુવાનોને ખંત પૂર્વક કામે લાગી જવા આહવાન કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું . ઉપરોકત કાર્યક્રમમાં ધારાસભ્ય ડો . નિમાબેન આચાર્ય , જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે , પ્રદેશ યુવા ભાજપના દર્શકભાઈ ઠાકર , નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરર્સીગાણી , મહામંત્રી હરિસિંહ રાઠોડ , લખપત તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ સરદાર , નખત્રાણા તાલુકા યુવા ભાજપ મહામંત્રી હિરેનભાઈ ભટ સહિત જિલ્લા યુવા ભાજપના હોદેદારો , અબડાસા વિધાનસભાના ત્રણેય મંડલના યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા , કાર્યક્રમનું સંચાલન નખત્રાણા તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી , આભાર વિધિ અબડાસા તાલુકા યુવા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી . સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી પ્રફુલસિંહ જાડેજા અને રણછોડભાઈ આહિરે કરી હોવાનું કચ્છ જિલ્લા મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

