પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” વીજ ઉત્સવ ઉજવાયો

ઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યના સૂત્રને સાકાર કરવા માટે ઉર્જા-2047ની થીમ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વલસાડ કચેરી દ્વારા તા. 29 જુલાઈએ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં વીજ ઉત્સવ ઉજવાયો હતો.જેમાં કુટિર યોજનાના લાભાર્થીઓને સહાયના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. હાલમાં દેશભરમાં તા. 30 જુલાઈ સુધી વીજ ઉત્સવ મનાવાય રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં યોજાયેલા વીજ ઉત્સવમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિતલબેન પટેલે જણાવ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રજા કલ્યાણને લગતી નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી અનેકવિધ યોજના અમલમાં મુકી રહ્યા છે, તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો છે તે આનંદની વાત છે.

ડબલ એન્જિન સરકારની આ વણથંભી વિકાસ યાત્રા નિરંતર ચાલુ રહેશે. આ ઉત્સવમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.ના ચીફ મેનેજર દિલીપભાઈ કસ્તુરે જણાવ્યું કે, વિશ્વમાં ઉર્જા ક્ષેત્રે ભારતે નોંધપાત્ર સિધ્ધિ હાંસિલ કરી છે. ભારતની વીજ ઉત્પાદનની ક્ષમતા 2014માં 2,48,554 મેગાવોટ હતી જે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતા 1,85,000 મેગાવોટ વધુ છે. આ વીજ વધારાને લીધે ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. દેશમાં જે ટ્રાન્સમિશન લાઈન હયાત છે તેમાં 1,63,000 સર્કિટ કિમીની ટ્રાન્સમિશન લાઈન ઉમેરી સમગ્ર દેશને એક જ ફ્રિકવન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. છેલ્લા 5 વર્ષમાં ભારતે કુલ રૂ. 2,01,722 કરોડના ખર્ચે વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે. આવી અનેક ઉપલબ્ધિઓ ભારત સરકાર દ્વારા વીજ ક્ષેત્રે હાંસિલ કરી છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો ગ્રામિણ વિસ્તાર માટે અતિ મહત્વની એવી દિન દયાળ ઉપાધ્યાય ગ્રામિણ જ્યોતિ યોજના અંતર્ગત વર્ષ 2015થી 2018 દરમિયાન રૂ. 2765.29 લાખ તેમજ તત્કાલિન પાવર સુધારણા યોજના અંતર્ગત વર્ષ 2019 સુધીમાં રૂ. 917 લાખનો ખર્ચ કરી વલસાડના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વીજ માળખાને સુદઢ કરી ગ્રાહકોને વધુ સારી ગુણવત્તાવાળો વીજ પુરવઠો આપી શકાયો છે. વર્ષ 2021-22માં ગુજરાત સરકારની ટીએએસપી યોજના હેઠળ 987 કૂવાઓનું વીજળીકરણ રૂ. 1628.06 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. વિતરણ પાવર સુધારણા યોજના હેઠળ પણ કેન્દ્ર સરકારે રૂ. 18600 કરોડનું બજેટ ફાળવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાથી પ્રજાનું જીવન ધોરણ ઉપર આવ્યું છે.
વીજ ઉત્સવની ઉજવણીમાં વીજ કંપનીની બહેનો દ્વારા વીજ સરંક્ષણથી વીજ બચત વિષય ઉપર નુક્કડ નાટક ભજવાયું હતું. જેમાં વિવિધ યોજનાથી છેવાડાના લોકોને શું લાભ થયા તેની માહિતી રજૂ કરી હતી. કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે, ઘર ઘર વીજળી, કુટિર જ્યોતિ યોજના, વિતરણ વ્યવસ્થા સુધારણા, ગામડાનું વિદ્યુતિકરણ, વન નેશન વન ગ્રીડ, રિન્યુએબલ એનર્જી અને ગ્રાહકોના અધિકાર અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. ઘડોઈ ગામના મંડળની બહેનોએ ઘેરીયા નૃત્ય કર્યું હતું.
કાર્યક્રમમાં પારડી પાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, પારડી પાલિકાના ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ ગજાનનભાઈ ટંડેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ અને પારડી શહેર સંગઠન પ્રમુખ રાજેશ પટેલ સહિતના અગ્રણીઓ અને ડીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીજ કંપનીના વલસાડ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર એ.કે.પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ વાપી ઈન્ડસ્ટ્રીયલ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર નિરંજનાબેન પટેલે કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM