
મહિલાશિબિરકાર્યક્રમદ્વારા૫૦૦થીવધુમહિલાઓનેફાર્મમિકેનાઈઝેશન, એગ્રીસર્વિસતથામહિલાકૃષિકૌશલ્યવિકાસતાલીમકાર્યક્રમવિશેમાર્ગદર્શનઆપવામાંઆવ્યું
અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિભાગ અને આત્મા સંસ્થાના સહયોગથી આજરોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતી સાથે સંકળાયેલી ૫૦૦ થી વધુ મહિલાઓને આ મહિલા શિબિરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના પ્રત્યેક તાલુકાની કુલ 9 જગ્યાઓએ આ પ્રકારની મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મહિલા સશક્તિકરણ અખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે મહિલા સશક્તિકરણ પખવાડિયા ના બદલે “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તારીખ ૧ થી લઈને ૭ ઓગસ્ટ સુધી ચાલનારા આ નારી વંદન ઉત્સવના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લામાં આ પ્રકારના મહિલા શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા શિબિર કાર્યક્રમમાં આમંત્રિત બહેનોને અમદાવાદ જિલ્લાના જે તે તાલુકાના મુખ્ય પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મહિલાઓને કૃષિ વિભાગની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે ફાર્મ મિકેનાઈઝેશન, એગ્રી સર્વિસ પ્રોવાઇડર તથા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. વધારેમાં વધારે મહિલાઓ કૃષિ વિભાગની આ પ્રકારની મહિલાલક્ષી યોજનાઓનો લાભ લે તથા ખેડૂત મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તેમ જ તેમની આર્થિક પ્રગતિ થાય તે માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી નિમિત્તે “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના કૃષિ વિભાગ સાથે જોડાયેલા તમામ ખેડૂત ભાઈ-બહેનોને તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર, હર ખેતર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે તે માટે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર તમામ ખેડૂત ભાઈ-બહેનોને બંધારણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જેથી તેઓ બંધારણ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા તેમજ સન્માન દર્શાવે.
મહિલાઓ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રગતિ કરે તેમ જ પ્રોત્સાહિત થાય તે માટે અમદાવાદ જિલ્લાના જે તે તાલુકાના “બેસ્ટ આત્મા એવોર્ડ” મેળવેલા તથા સફળ ખેતી કરતા જિલ્લા તેમજ તાલુકા પંચાયતના અને ગ્રામ પંચાયતના મહિલાઓએ આ શિબિરમાં હાજરી આપી બીજી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
અમદાવાદ જિલ્લા પંચાયતના કૃષિ વિભાગના આ મહિલા શિબિર કાર્યક્રમમાં કૃષિ વિભાગના મદદનીશ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ગ્રામ સેવકશ્રી, આત્માનો તમામ સ્ટાફ, તેમજ બાગાયત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

