



સ્વસ્થ અને તાજા જીવન માટે તેમજ પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઇએ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમાર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડોદરા જિલ્લા કક્ષાના ૭૩મા વન મહોત્સવની ઉજવણી દાદા ભગવાન મંદિર, કેલનપુર ખાતે કરવામાં આવી હતી.
વન મહોત્સવની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અહીંથી મોટી સંખ્યામાં લોકો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. અને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આપણા જીવનમાં વૃક્ષોનું શું મહત્વ છે તે, જાણીને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અને પર્યાવરણ બચાવવાની તેઓએ તૈયારી દર્શાવી હતી.
વિવિધ નર્સરી ગ્રુપના લાભાર્થીઓ અને સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓને મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા રોપા ઉછેરવા અને હરિયાળા ગુજરાત માટે યોગદાન આપવાના પ્રયાસો બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ તેઓની સાથે વાતચીત કરી હતી અને તેમના ભગીરથ પ્રયાસોની પ્રશંસા કરી હતી. બાદમાં તેમણે અન્ય અધિકારીઓ સાથે સ્થળ પર રોપા રોપ્યા હતા અને દરેકને જોડાવા અને વધુ વૃક્ષો વાવવા પ્રેરિત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે, “વૃક્ષારોપણ એ શુભ કાર્ય છે, કારણ કે વૃક્ષો જીવન છે અને દરેક વ્યક્તિએ દર વર્ષે તેનું વાવેતર કરીને ઉછેર કરવું જોઇએ. કોરોનાકાળ દરમિયાન આપણે ઓક્સિજનનું મહત્વ શીખ્યા અને આપણે જાણીએ છીએ કે વૃક્ષો તેનો પ્રાથમિક સ્ત્રોત છે. આ ઉપરાંત વૃક્ષોની અછતને કારણે અકાળે કુદરતી ફેરફારો થાય છે, જે આફતો તરફ દોરી જાય છે”. તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને લાગે છે કે હવામાનના આવા ફેરફારોને રોકવા માટે વૃક્ષોનું વાવેતર અને તેનું રક્ષણ એ એકમાત્ર ઉપાય છે. જ્યારે ગુજરાત હરિયાળું રાજ્ય બની રહ્યું છે અને અન્ય રાજ્યો માટે મોડેલ બની રહ્યું છે, ત્યારે આપણે બધાએ વધુમાં વધુ વૃક્ષો વાવીને સ્વસ્થ અને તાજા જીવન માટે યોગદાન આપવું જોઇએ.”
વૃક્ષોના મહત્વ વિશે લોકો જાગૃત થાય, વૃક્ષારોપણ વધે અને ગુજરાત હરિયાળું રાજ્ય બને તેવા ઉદ્દેશ્ય સાથે દરેક જિલ્લામાં ‘વન મહોત્સવ’ને લઈ જવાના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની તેમણે પ્રશંસા પણ કરી હતી. આ સાથે જ તેમણે હાજર માનવ મહેરામણને વધુમાં વૃક્ષો વાવવા માટે અનુરોધ પણ કર્યો હતો. કાર્યક્રમના સ્થળની બહાર લોકોને સંબંધિત પુસ્તકો સાથે રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંઘ, જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપરાંત પર્યાવરણપ્રેમીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.