ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશના નાગરિકોને જન્માષ્ટમી પર્વની અનેકાનેક શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઇ શાહ

આજે કૃષ્ણ જન્મોત્સવના શુભ દિને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં “મિશન મિલિયન ટ્રી” ના માધ્યમથી ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

તમામ સમસ્યાઓથી બચવા અને જૈવ ચક્રના સંતુલન માટે એક માત્ર રસ્તો એ વૃક્ષારોપણ છે. – શ્રી અમિતભાઇ શાહ

પરિવારમાં પ્રત્યેક વ્યક્તિને એક એક છોડ અર્પણ કરી આ આરોપણ કરેલ છોડની માવજત, જતન અને યોગ્ય ઉછેર થાય તે માટે સૌને સંકલ્પબદ્ધ કરાવતા શ્રી અમિતભાઇ શાહ

પ્રકૃતિનું દોહન કરી શકાય તેનું શોષણ ન કરી શકાય. – શ્રી અમિતભાઇ શાહ

લાંબુ આયુષ્ય ધરાવતા પીપળો, જાંબુ, વડ જેવા વૃક્ષો વાવીને આપણે આવતી બે થી ત્રણ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત અને સુનિશ્ચિત કરી શકીશું. – શ્રી અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કૃષ્ણ જન્મોત્સવના શુભ દિને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે શ્રી શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
  અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ અને હરિયાળી લોકસભા બને તે માટે શ્રી શાહે અગાઉ પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં "મિશન મિલિયન ટ્રી" ના માધ્યમથી ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. 
  શ્રી અમિતભાઇ શાહે આ તબક્કે તેમના ટુંકા ઉદ્બોધનમાં કહ્યું હતું કે આજના દિવસે દ્વારિકા થી લઈને આસામ અને વૈષ્ણોદેવી થી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં એકમાત્ર એવો જન્મદિવસ કે જેમાં વિના આમંત્રણે કરોડો લોકો મધ્ય રાત્રી સુધી જાગીને પૂરા ભાવથી શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવશે. ૫૧૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દરેક માટે પ્રેરણાદાયી, કોઈ માટે તેઓ યોગી સ્વરૂપે, કોઈ માટે મહાન સંગીતકાર, ગીતાના રચયિતા અને તત્વજ્ઞાનના પ્રણેતા, તો કોઈક માટે પંચજન્ય વાગે અને દુશ્મનોના હાજા ગગડે તેવા મહાન રણનીતિકાર. એક જ જીવનમાં અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી એટલું જ નહિ પરંતુ "સંભવામિ યુગે યુગે" નો સંદેશ આપી હજારો વર્ષ પછી પણ લોકોના મનમાં જ કૃષ્ણ છે તેવો ભાવ ઊભો થાય તેવું પ્રેરક જીવન ભગવાન શ્રી કૃષ્ણ જીવ્યા.
    આ શ્રુંખલામાં શ્રી અમિતભાઇ શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે "મિશન મિલિયન ટ્રી" અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્ર નો ઉલ્લેખ કરતાં કહ્યું કે પ્રત્યેક વ્યક્તિનો જન્મ કોઈ ને કોઈ નક્ષત્રમાં થયેલો હોય છે. આ વ્યક્તિના સ્વભાવમાં રહેલા દોષ માટે જે તે નક્ષત્ર અનુરૂપ વૃક્ષનું વાવેતર જ તેમની સમસ્યાનું સમાધાન હોય છે.તેમજ શ્રી શાહે ગ્રામજનોના પરિવારમાં પ્રત્યેક વ્યક્તિને એક એક છોડ અર્પણ કરી આ આરોપણ કરેલ છોડની માવજત, જતન અને યોગ્ય ઉછેર થાય તે માટે ઉપસ્થિત સૌને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા. તેઓએ કહ્યું કે આ વનમાં ૪ હજાર જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ૭૫ જેટલા તળાવો બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ક્ષેત્રના સાંસદ તરીકે આવા ૧૦ જેટલા મોટા તળાવોના નવીનીકરણ, બ્યુટીફિકેશન માટેના પ્રયત્નો તેઓ દ્વારા થઈ રહ્યા છે ત્યારે તેની જાળવણી માટે સૌ સહિયારો પ્રયાસ કરે તેવો અનુરોધ શ્રી શાહે કર્યો હતો.
   આ તકે શ્રી શાહે લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે આપણા વેદ ઉપનિષદોમાં ઈશ્વરની કલ્પના જ કુદરતથી કરી છે, પ્રકૃતિથી કરી છે તેમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ્રકૃતિનું દોહન કરી શકાય તેનું શોષણ ન કરી શકાય. ગાયના આંચળમાંથી દૂધ એટલું જ નિકાળાય જેટલું હોય, લોહી ન નિકાળાય. કમનસીબે વિકાસની આંધળી દોટમાં અવકાશની અંદર ઓઝોનના પડને આપણે પાતળું કરી નાખ્યું છે. આ ઓઝોન પડ એકમાત્ર એવી વસ્તુ છે જે સૂર્યનારાયણની ગરમીને આપણે સહન કરી શકીએ એટલી કરીને પૃથ્વી પર મોકલે છે. આજે કાર્બન મોનોકસાઈડ અને કાર્બન ડાયોક્સાઈડને લીધે ઓઝોન લેયર પાતળું થયું અને તેને પરિણામે પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું છે. 
   શ્રી શાહે ઉમેર્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ને અવકાશમાં ન જવા દેવા, વરસાદ લાવવા માટે, જમીનનું ધોવાણ અટકાવવા, નદીના સંરક્ષણ માટે, વન્યજીવનને - અનેકવિધ પક્ષીઓની પ્રજાતિઓને બચાવવા માટે અને આપણે નીરોગી રહેવું હોય તો વૃક્ષો વાવવા જ પડે. પ્રાણવાયુ આપણને કેવળને કેવળ વૃક્ષોના માધ્યમથી જ યોગ્ય રીતે મળી શકે. આમ તમામ સમસ્યાઓથી બચવા અને જૈવ ચક્રના સંતુલન માટે એક માત્ર રસ્તો એ વૃક્ષારોપણ છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે લાંબુ આયુષ્ય ધરાવતા પીપળો, જાંબુ, વડ જેવા વૃક્ષો વાવીને આપણે આવતી બે થી ત્રણ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત અને સુનિશ્ચિત કરી શકીશું.
   આ પ્રસંગે નારદીપુર ગામના સરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઊર્વશીબેન પટેલ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપા પ્રભારી ડૉ. હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપા પ્રભારીશ્રી ગોવિંદભાઈ પટેલ, કલોલ વિધાનસભાના પ્રભારી ડૉ. ઋત્વિજભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રાજુભાઇ પટેલ, શ્રી રમેશજી ઠાકોર, જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ, કલોલ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરસેવકો, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *