
નવકારમાં “નમો” ધર્મ છે,જ્યારે પર્યુષણમાં “ખમો” ધર્મ છે જ્ઞાન અને ક્રિયાનું પર્વ એટલે પર્યુષણ પર્વ-મુનિરાજ શૌર્યશેખર વિજયજી
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. ત્યારે મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે તીર્થંકર પરમાત્માએ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે.પાપ થી સર્વથા વિરામ રૂપ સર્વવિરતી ધર્મ એટલે સાધુ જીવન અને પાપથી આંશિક વિરામ રૂપ દેશવિરતી ધર્મ એટલે શ્રાવક જીવન.પૌષધ વ્રત તે શ્રાવક જીવન દરમિયાન સાધુપણાનો આસ્વાદ લેવા માટેનો અવસર છે.શ્રાવકના બાર વ્રતોમાં અગિયારમુ વ્રત પૌષધ વ્રત છે.જે આત્માને પુષ્ટ કરે તે પૌષધ કહેવાય છે.તે ચાર પ્રકારના છે.
(1) આહાર પૌષધ:-ચૌવિહાર ઉપવાસ અથવા તિવિહાર ઉપવાસ,આયંબીલ,એકાસણું કરવું તે.
(2) શરીર સત્કાર પૌષધ:-સ્નાન વિલેપન વગેરેનો ત્યાગ કરીને શરીરનો સત્કાર નહીં કરવો તે.
(3) અવ્યાપર પૌષધ:-કોઈપણ પ્રકારનો સાંસારિક વ્યાપાર કે વ્યવહાર નહીં કરવો તે.
(4) બ્રહ્મચર્ય પૌષધ:-મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું તે.દિવસ-રાત ના ચાર પ્રકાર કે આઠ પ્રકારનો પૌષધ કરી શકાય છે.પર્યુષણનાં આઠ દિવસ દરમિયાન ચોસઠ પ્રહરના એટલેકે આઠ દિવસના પૌષધની આરાધના ઘણા ભાવિકો કરશે.આ દિવસો દરમિયાન ઉપાશ્રયમાં જ રહીને સાધુ જીવનની જેમ જ જીવીને ધર્મ ધ્યાનમાંજ માત્ર પ્રવૃત્ત રહેશે. પાંચમ-આઠમ-ચૌદશ જેવી પર્વ તિથીએ પૌષધ કરવાનું વિધાન છે.પૌષધ એ એક પ્રકારની સાધુ જીવનની તાલીમ શાળા છે.શાસ્ત્રોમાં કહેવાયું છે કે એ એક અહોરાત્ર એટલે કે ચોવીસ કલાકનો પૌષધ કરવાથી ત્રીસ સામાયિક નું ફળ મળે છે.પૌષધ વ્રતની આરાધના માટે ઉદાયન રાજર્ષિ નું દ્રષ્ટાંત જૈન પરંપરામાં પ્રખ્યાત છે.પર્યુષણ પર્વનું સધ્ય ક્ષમા છે.અને ક્ષમાની સિદ્ધિ-પ્રાપ્તિ માટે પૌષધ વ્રત છે.
