

ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ૧૮ દિવસથી પોતાની માંગણીને લઈને હડતાલમાં ઉતરી ગયા છે જેની સાથે કચ્છના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયેલા છે. પરંતુ કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી હાયર ગ્રેડના એરિયર્સ બીલો, એલ.ટી.સી. બિલો, મુસાફરી ભથ્થાના બિલો, મોંઘવારી વધારાના તફાવત બીલો સમયસર મંજૂર ન થતા રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા. કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના કન્વીનર દેવુભા વાઘેલાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ ગંગાબેન વીંજોડા, નર્સિંગ મંડળના પ્રમુખ ક્રિષ્નાબા જાડેજા, એમ.પી. ડબલ્યુ. મંડળના મંત્રી નિલેશ મકવાણા, ભરત પરમાર સહિત દશે તાલુકાના કાર્યશીલ સભ્યો દ્વારા પોતાના નાંણાકીય બિલો મંજૂર કરાવવા માટે હિસાબી અધિકારી કલ્પેશ પી. પટેલને રજૂઆત કરતા તેઓએ સંબંધીત સિનિયર ક્લાર્કને બોલાવીને જાત માહિતી મેળવી હતી અને ટૂંક સમયમાં જ બિલોમાં અધુરાસ પૂરી કરાવીને મંજૂર કરી દેવામાં આવશે એવી ખાતરી આપી હતી. જે બદલ કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
